પૃષ્ઠ:Thag.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬: ઠગ
 

ખબર ખાનસાહેબને પહોંચાડ્યા છે. ઠીક, ચિઠ્ઠી લઈ જવી હોય તો લઈ જા.'

ગંભીરે જણાવ્યું : ‘જ્યારે ખાનસાહેબને આ સંઘ લૂંટવાના ખબર છે ત્યારે હવે ફરીથી ચિઠ્ઠી પહોંચાડી ખબર આપવાની જરૂર રહી નથી.'

‘તો પછી તારે જવું હોય તો જા. હું સાહેબને તેમની છાવણીમાં મૂકી આવું.’ આઝાદે ગંભીરને કહ્યું.

‘છાવણી કેટલી દૂર છે ?’ મેં પૂછ્યું.

‘એકાદ ગાઉ ઉપર. તમારી શોધખોળ માટે એકાદ લશ્કર આવ્યું છે, એમાં હું તમને મૂકી આવીશ.'આઝાદે જણાવ્યું.

‘તમે સંઘ ક્યારે લૂંટવાના છો ?' મેં આનાકાની વગર પૂછ્યું.

આઝાદ આ પ્રશ્ર સાંભળી હસ્યો.

‘તમારા લશ્કરની પડોશમાં જ આજે રાતે લૂંટવાના છીએ.'

'અમારું સૈન્ય પાસે છે ને ?’ મેં પૂછ્યું.

‘ઓહો ! તેની શી હરકત છે ?’ આઝાદે જણાવ્યું.

'ત્યારે તો તમારી પાસે માણસો વધારે હશે. તે વિના તમારાથી આટલી હિંમત થાય નહિ.' મેં જણાવ્યું.

‘નહિ, નહિ. માણસોની અમને દરકાર નથી. આપ હજી અમને પિછાનતા નથી.' આઝાદે જણાવ્યું. આ સંઘ લૂંટવો એ તો સહેલ છે; પરંતુ આપના તંબૂમાંથી આપના સૈન્ય વચ્ચે થઈને તમારા હાકેમના બાનુનાં ગળામાંથી મોતીનો હાર તોડી જવો હોય તો તે પણ અમને મુશ્કેલ નથી.’

મને લાગ્યું કે આઝાદ નાહક શેખી કરે છે. મેં તેને તે વાત જણાવી.

‘તમે ખોટી બડાઈ મારો છો.'

‘હું તમને આહ્વાન કરું છું.' આઝાદે જણાવ્યું. 'તમારા હાકેમ અહીં પાસે જ ફરે છે. તમે તેને ચેતવો. તમારા લશ્કરને ચેતવો. બધી સાવચેતી રાખો અને છતાં જે હું તેમના બાનુના ગળામાંથી હાર કાઢી ન જાઉં તો ઠગ, જન્મયો નહોતો એમ માનજો.'

‘તમે અમને ઓળખતા નથી.' મેં કહ્યું. 'તમારાથી ન બન્યું તો ?'

'તે જો ન બને તો હું ખ્રિસ્તી બનવા તૈયાર છું.'અભિમાનથી આઝાદે મૂછનો વળ ચડાવ્યો.

‘હું મારી છાવણીમાં જઈ ખબર કરીશ. સંઘને સાચવીશ, છતાં તમે તેને લૂંટશો ?' મેં પૂછ્યું.