પૃષ્ઠ:Thag.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગની બડાઈ : ૮૭
 

‘જરૂર, આજે રાત્રે એ સંઘ લૂંટાવાનો જ.’ આઝાદે કહ્યું. ગંભીર ઊભો ઊભો બધું સાંભળતો હતો. મને ઇચ્છા થઈ કે આ લોકો કેવી રીતે લૂંટ કરે છે તે મારે જેવું જોઈએ. મેં તેના વૃત્તાંતો અને વર્ણનો સાંભળ્યાં હતાં, પરંતુ આ નજરે જોવાનો પ્રસંગ જતો કરવો મને ઠીક લાગ્યો નહિ. મેં કહ્યું :

‘તો હું અત્યારે છાવણીમાં નહિ જાઉં. કદાચ તમારી લૂંટમાં વિઘ્ન આવે તો તમે મને દોષ દેશો.'

‘એ ચિંતા તમે રાખશો જ નહિ.’ આઝાદે કહ્યું.

‘પરંતુ મારું મન માનતું નથી, અને આપણા આટલા સંબંધ પછી હું છાવણીમાં જઈ વાત કરું તો કૃતઘ્ની ઠરું. વાત ન કરું તો નિમકહરામ ઠરું. માટે તમો સંઘને લૂંટો ત્યાં સુધી હું તમારી સાથે જ રહીશ.’ મેં મારો નિશ્વય જણાવ્યો.

‘આખો દિવસ હરકતમાં ગાળવો પડશે.’ આઝાદે જણાવ્યું.

હું હરકત જરા પણ ગણતો નથી, એ વાત મેં દૃઢતાથી જણાવી છેવટે તેણે મને સાથે રહેવા હા પાડી. એક ઝાડની ઘટા નીચે જઈ ઘોડા ઉપરથી ઊતરી ઘાસિયા પાથરી અમે બેઠા અને રાતની રાહ જોવા લાગ્યા.

થોડી વાર સુધી આ નિર્જન પ્રદેશમાં કોઈ પણ મનુષ્ય જોવામાં આવ્યું નહિ. ઊડતાં પક્ષીઓના સહજ કિલકિલ અવાજ કે પાંખોના આાછા ફડફડાટ સિવાય સર્વત્ર નિ:શબ્દતા ફેલાયેલી હતી. કવચિત્ હરણનું ટોળું દૂરથી ચરતું અદૃશ્ય થઈ જતું.

એકાએક ક્ષિતિજમાંથી માનવીઓ ફૂટી નીકળતા હોય એમ લાગ્યું. વિચારમાંથી હું જાગૃત થયો અને સમજ્યો કે એ સંઘના માણસો આવતા હશે. ઠગ લોકોમાંથી તો માત્ર ગંભીર અને આઝાદ એ બે જણ મારી પાસે બેઠેલા હતા. મને વિચાર આવ્યો કે ઠગ લોકોની કોઈ જાતની તૈયારી જણાતી નથી અને તેઓ શી રીતે લૂંટ કરી શકશે ? બે જણાથી કાંઈ આખો સંઘ લૂંટાશે ?

મેં આઝાદને મારો વિચાર જણાવ્યો અને તે હસ્યો.

‘વખત આવ્યે બધું જોઈ લેવાશે.' આટલો જ માત્ર તેણે જવાબ આપ્યો. પરંતુ મારી ધારણા ખોટી પડી. પેલાં દેખાતાં માણસો સંઘનાં નહોતાં; તેઓ તો હિંદુસ્તાનમાં સ્થળે સ્થળે ફરતા બાવાઓનું એક નાનું ટોળું હતું. તેમણે શરીરે રાખોડી ચોળી હતી. આખા શરીર ઉપર લંગોટી સિવાય બીજું વસ્ત્ર ન હતું. મજબૂત અને તાલીમબાજ લાગતાં તેમના