પૃષ્ઠ:Thag.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮ : ઠગ
 

કાળાં બદન ઉપર ભભરાવેલી રાખોડી તેમની વિચિત્રતામાં વધારો કરતી હતી. તેમને માથે જટા હતી, હાથમાં મોટામોટા ચીમટા હતા, અને જાણે પોતાની વિચિત્રતા તરફ જગતને આકર્ષતા હોય તેમ તે ચીમટાને વારંવાર ખખડાવ્યા કરતા હતા. દરેકને ખભે એક એક ઝોળી ભરાવેલી હતી.

આવા દસેક ખાખીઓ ધીમે પગલે ધીમે ધીમે અમારા તરફ આવતા હતા.

મને હસવું આવ્યું. મેં આઝાદને હસતે હસતે પૂછ્યું : ‘આ સંઘને લૂંટવાનો છે કે ?' આઝાદ હસ્યો, પણ તેણે મને જવાબ ન આપ્યો.

‘બહુ ભારે મિલકત મળે એમ લાગે છે. એમની ઝોળીઓ તો આપણે ત્રણ જણ પડાવી લઈએ એમ છે. લૂંટવાનું શરૂ કરો.’ મેં વધારે ટીકા કરી.

‘એ તો સાધુઓ છે. બિચારા ચાલ્યા જશે.’ આઝાદે જવાબ આપ્યો. પરંતુ એ સાધુઓની ત્યાંથી ચાલ્યા જવાની વૃત્તિ દેખાઈ નહિ. જે વૃક્ષ નીચે તેઓ બેઠા હતા તે ઘણું જ વિશાળ હતું. તેની ઘટામાં ઘણાં માણસો આશ્રય લઈ શકે એમ હતું. સાધુઓએ ‘અલખ'ની બૂમ મારી પોતાની ઝોળીઓ ઝાડ નીચે મૂકી, ચીપિયા ખખડાવ્યા અને બેઠા. એકબે બાવાઓ બાજુએ પડેલાં ડાળખાં, છોડિયાં, વગેરે વીણી લાવ્યા અને ચારપાંચ ધૂણીઓ કરી સાધુઓ તેને વીંટળાઈ વળી બેઠા. કેટલાકે ચલમો કાઢી અને તે પીવા લાગ્યા. એક સાધુએ ઝોળીમાંથી ‘શંખ’ કાઢી ફૂક્યો. શંખમાં એવો ઘોર અવાજ થયો કે આ એકાંત નિઃશબ્દ સ્થળમાં ચોમેર તેના પડઘા પડ્યા, અને શાંત વાતાવરણમાં અસ્થિરતા ફેલાઈ.

'આ પાપ વળી અહીં ક્યાં ચોંટ્યું ?' આઝાદ સહજ અકળાઈને બોલ્યો. ધીમે ધીમે સાધુઓએ ભોજનની તૈયારી કરવા માંડી. મોટા મોટા તવા ઉપર ઘઉંના લોટના રોટલા તેમણે બનાવવા માંડ્યા. અત્યાર સુધી તે સાધુની ટોળીએ અમારી હાજરીની દરકાર જ કરી ન હતી. અમે જાણે ત્યાં બેઠા ન જ હોઈએ એવી રીતે તેઓ પોતપોતાના કામમાં મશગૂલ હતા. પરંતુ થોડાક રોટલા તૈયાર થયા પછી સાધુઓમાંથી એક જણ અમારી પાસે આવ્યો અને અમને પ્રભુનો પ્રસાદ લેવા આગ્રહ કરવા માંડ્યા. ભોજનને તેઓ ઈશ્વરનો પ્રસાદ તરીકે ઓળખાવતા હતા.

આઝાદે છેવટે આગ્રહને વશ થઈ હા પાડી. પેલા સાધુએ બીજાને ભોજન લાવવા આજ્ઞા કરી અને તે અમારી પાસે બેઠો. સાધુની વાચાળતાનો પાર ન હતો. અનેક જાતની વાતો તેણે કરવા માંડી. આ બધો