પૃષ્ઠ:Thag.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગની બડાઈ: ૮૯
 

વખત ગંભીર વગર બોલ્ય બેસી રહ્યો હતો.

આઝાદે સાધુને પૂછ્યું :

‘તમે લોકો ક્યાં સુધી જવાના છો ?’

તેણે ઉત્તર આપ્યો :

‘બદરીકેદાર જવાના છીએ.'

ગંભીરનું મુખ સહજ મલક્યું. હું સમજી શક્યો નહિ કે આ ક્રૂર દેખાતા ઠગના મુખ ઉપર આનંદની ચમક કેવી રીતે આવી શકી.

દૂરથી ધૂળ ઊડતી દેખાઈ અને ઘંટીના ઝીણા નાદ કાને પડ્યા. સાધુ પોતાની વાચાળતા એક ક્ષણભર ભૂલી ગયો. આઝાદ પણ જરાક ટટાર થઈ બેઠો. એટલામાં થોડા રથ અને ગાડાં ધીમે ધીમે આવતાં દેખાયાં. કેટલાક રખેવાળ સરખા માણસો આગળ ચાલતા હતા.

મને લાગ્યું કે ઠગ લોકોની દાઢે ચડેલો સંઘ હવે આવે છે.

હથિયારબંધ પંદરેક માણસો એ સંઘની રક્ષા કરતા હતા. લગભગ સાઠેક માણસો રક્ષકો સિવાય એ કાફલામાં હતાં. તેમાં કેટલાંક બૈરાં તેમ જ છોકરાં હતાં, અને આનંદથી આખો સંઘ આગળ વધતો હતો. રથના બળદ શણગારેલા હતા અને ગળે બાંધેલ ઘૂઘરાથી આખા જંગલમાં અવાજ થઈ રહેતો હતો.

સાધુઓ પોતાની રસોઈ કર્યો જતા હતા. તેમણે આવતા સંઘ તરફ દૃષ્ટિ પણ ન કરી. માત્ર આઝાદ ગંભીર અને તેની સાથે વાત કરતા સાધુમાં અસાધારણ ચંચળતા આવી ગઈ. આગળ આવતા સંઘને લૂંટવા માટે તેમની પાસે કશું પણ સાધન ન હતું. પછી મને વિચાર આવ્યો કે આઝાદની બડાઈ પ્રમાણે તો ગમે તે સ્થાનેથી ઠગ લોકો નીકળી આવવા જોઈએ. એ ધોરણે આટલામાં છુપાઈ રહેલા ઠગ લોકો કદાચ બહાર નીકળી આવી સંઘને લૂંટશે.

દૂરથી અમને જોઈ સંઘના રખેવાળો ઊભા રહ્યા. બે ઘોડેસ્વારો હથિયારબંધ રક્ષકોમાં હતા. તેઓ ઘોડા દોડાવી આગળ આવ્યા. સાધુઓએ તેમની કાંઈ જ દરકાર ન કરી કે કાંઈ પૂછ્યું પણ નહિ.

‘અરે, આ જમાત ક્યાં જાય છે ?’ છેવટે એક ઘોડેસ્વારે પૂછ્યું. તેની સામું જોયા વગર એક સાધુએ ધીમેથી જવાબ દીધો :

'જહાનમમાં.'

જવાબ સાંભળી કેટલાક સાધુઓનાં મુખ મલક્યાં. છેવટે અમને બેઠેલા જોઈ પેલા સ્વાર નવાઈ પામ્યા અને તેમાં મારો પહેરવેશ અને ગોરી