પૃષ્ઠ:Trishanku.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨:ત્રિશંકુ
 


વળી એને એકલાં પોતાનાં બાળકો જ ક્યાં ઉછેરવાનાં હતાં ? એની એક નણંદ તારા કૉલેજમાં ભણતી હતી ! એનો ખર્ચ પણ સરલા તથા કિશોરને જ માથે હતો ને ? હજી કૉલેજનો ભયંકર ખર્ચ થોડાં વર્ષ સુધી એને ઉઠાવવાનો જ હતો ! કલ્પનામાં સતત જાગૃત રહેલો બંગલો હજી રચાયો ન હતો; બહાર ચકચકાટ દોડતી અનેક કારમાંની એક પણ કાર હજી સરલાના હાથનો સ્પર્શ સુધ્ધાં પામી ન હતી. અને બાળકો માટેનાં રમકડાં? પેલા ખૂણામાં એક બે ભાંગેલી પડેલી પૂતળીઓ સરલાની સામે જોઈ રહી હતી ! ભીષણ ભગ્ન હાસ્ય કરી રહી હતી !

ભણેલોગણેલો રસિક પતિ ! સરકારી નોકરીમાં જઈ સાહેબ બનવાને બદલે, વ્યાપારમાં ઊતરી લાખે લેખાં ગણતો ધનપતિ બનવાને બદલે, સવારના સાડાનવથી સાંજના સાત વાગ્યા સુધી કોઈ ધનપતિની આજ્ઞા ઉઠાવતો નોકર બની રહ્યો હતો ! અને તે કેટલાં વર્ષથી ? એટલાં વર્ષમાં તો...

આજ એનો પતિ પગાર લાવવાનો હતો ! એની રાહ સરલા જોઈ રહી હતી ! એ પગારની રાહ જોઈ રહી હતી કે પતિની ? પગાર લાવતા પતિની ! સરલાને જરા કમકમી આવી ! પ્રેમમાં જીવન ખુવાર કરવાની બહાદુરીભરી કલ્પના કરી ચૂકેલી સરલાને આજ પતિ નહિ પરંતુ પતિનો પગાર ઉત્તેજિત કરતો હતો ! પગાર લીધા વગર આજ એનો પતિ આવે તો ? સરલાનું હૃદય થરકી ઊઠ્યું. પતિ કરતાં આજ એને પગારનું આકર્ષણ વધારે થયું હતું ! ઘડી પળમાં એનો પતિ આવી પહોંચવાનો હતો ! આવા કેટલાય પગારદિન આવી ગયા. જ્યારે સરલાએ પતિ અને પગાર બંનેને એક તુલાએ તોળ્યા ત્યારે પગારનું ત્રાજવું નીચું જતું અનુભવ્યું !

અને એનો પતિ પગાર લાવતો તોય કેવા દિલગીરીભર્યા મુખ સાથે લાવતો ? જુદા જુદા વર્ગના માનવીને પગારદિન જુદી જુદી અસર કેમ કરતો તેનાં દ્રષ્ટાંતો સરલાએ પોતાના પતિ પાસેથી જ સાંભળ્યાં હતાં ! સરલાની દ્રષ્ટિ સમક્ષ એક સુશોભિત સરકારી કચેરી દેખાઈ. પગારનાં પડીકાં તૈયાર થતાં હતાં ! આરામથી એક ફાઈલ વાંચી રહેલા પુષ્ટ સાહેબના ખંડમાં જરા ધીમે પગલે એક કારકુને પ્રવેશ કર્યો. તિરસ્કારપૂર્વક અર્ધ ઊંચી આંખે કારકુન તરફ નિહાળતા સાહેબને કારકુને જ કહ્યું :

'સાહેબ ! આ પગાર !... પત્રક ઉપર આપની સહી...!'

સાહેબના મુખ ઉપરનો તિરસ્કાર સ્મિતમાં ફેરવાઈ ગયો ! પગારની નોટના ચોડાને નિહાળી સાહેબ પ્રસન્ન થયા. તેમણે હસીને કહ્યું :

'ઓહ ! થેન્ક યુ !' સાહેબે બોલતાં બોલતાં પત્રક ઉપર સહી કરી