પૃષ્ઠ:Trishanku.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨ : ત્રિશંકુ
 

સરલાએ અનુભવી.

'શું? કહે છે તું ?' જરા ઉગ્રતા લાવી કિશોરે પૂછ્યું. એની ઉગ્રતા પાછળ મઝદૂર અને ગુંડો બન્ને જણ હતા.

'શું કહું? બે જીવને બચાવવા માટે એ રકમ પડોશીને કાઢી આપવી પડી.'

'કયા પડોશી ?'

‘ગજરાબહેનના વર.'

‘પણ હવે? પેલો ગુંડો મજદૂરનો જાન લેશે.'

‘મને જરા વહેલી ખબર પડી હોત તો હું રૂપિયા જતા ન કરત. હવે?’

'મારું વચન ફોક થાય એવું કદાચ હું દુઃખ ન ધરું, પરંતુ પેલા મજદૂરની શી દશા ?'

‘આપણે જામીન થઈએ તો ?'

'ગુંડો માગે છે રોકડા પૈસા ! જામીન-બાંહેધરી નહિ. એ નહિ મળે. તો મને ડર છે કે ગુંડો છરો ખોસી દેશે... આપણી ઓરડી આગળ જ !'

‘પોલીસને ખબર આપીએ તો ?' સરલાએ કાયદેસર રસ્તો બતાવ્યો.

'એ નવી આફત વહોરવા જેવું થશે... પોલીસનો ઈશારો પણ ગુંડાને થશે તો તે મઝદૂરને છરો ભોંક્યા વિના રહેશે નહિ અને તું કહે છે કે ઘરમાં કાંઈ રકમ જ નથી ! શું કરીશું હવે ?' કિશોરના મુખ ઉપર આખી સૃષ્ટિનો ભાર આવી વસ્યો હોય એમ લાગ્યું. સાહેબનાં કપડાં પહેરી ફરતા સલામ કરવા લાયક કિશોરની પાસે પચીસ રૂપિયા પણ ન નીકળે એમ ગુંડો માનવાને તૈયાર ન જ થાય ! પત્ની પણ બીજા કોઈને સહાયરૂપ થવા માટે પૈસા આપી આવી હતી. તંગીવાળા માણસોએ કદી કોઈને બચાવવાની મોટાઈ ન જ કરવી જોઈએ, એમ કિશોરને અત્યારે લાગ્યું.

સરલા પતિના મુખ ઉપરની મૂંઝવણ સમજી ગઈ. એકાદ બે વાસણ કે પોતાનું કીડિયાં ભરેલું સોનાની ચકતી લટકાવેલું મંગલસૂત્ર વેચીને પણ પચીસ નહિ તો દસ-પંદર રૂપિયા છેવટે તે ઊભા કરી શકે એમ હતું. જરા સ્વસ્થતા ધારણ કરી સરલાએ કહ્યું :

'જરા ઊભા રહેવા દો એ બન્ને જણાને. હું પહેલી ચા કરીને મોકલાવું, પછી બીજી વાત. કેટલું ભારણ માથે ?' કહી સરલા ઊભી થઈ અને ચા બનાવવા માટે રસોડાની ઓરડીમાં ચાલી ગઈ. પાંચેક ક્ષણ એકીટસે કેલેન્ડર તરફ જોઈને બેસી રહેલો કિશોર ઊભો થયો અને તેણે પોતાના