પૃષ્ઠ:Trishanku.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮:ત્રિશંકુ
 

વીજળીનો ધક્કો આપી ગયું હતું. એમાં અત્યારે દલીલને અવકાશ ન હતો. સત્યના પુરાવા રજૂ કરવાથી કિશોરના માનસને અત્યારે સત્ય પણ હડહડતું જૂઠું દેખાય એમ હતું. કિશોર અને કિશોરનું કુટુંબ એટલે સંસ્કારી કુટુંબ. ભલે એ કુટુંબ નીચલા મધ્યમ વર્ગની કક્ષાએ મુકાતું હોય ! એવા કુટુંબમાં પણ પગારના દિવસે આટલી કટુતા વ્યાપે તો ઓછાં સંસ્કારી કુટુંબોમાં આવી જ પરિસ્થિતિ શી ભયંકરતા ન ઉપજાવી શકે ? આખું ઘર થોડીક ક્ષણ શાંત રહ્યું.

શાંતિ પણ ઘણી વાર જીવનમાં અસહ્ય બની જાય છે. શીત ન વેઠાતાં સરલાએ ટહુકો કર્યો :

'રસોઈ તૈયાર છે.'

'મારે જમવું નથી.' કિશોરે કહ્યું. સરલાએ ઉચ્ચારેલા શબ્દો જાણીતા હતા. તે પોતાને જ માટે ઉચ્ચારાતા હતા એમ જાણી કિશોરે એ જવાબ આપ્યો.

'આખા ઘરને ભૂખ્યું રાખવું હોય તો તમે ન જમશો.’ સરલાએ કહ્યું.

કિશોરે નણંદ-ભોજાઈ તરફ નજર ફેરવી. એ નજરની કટુતા હજી ઘટી ન હતી. નજર ફેરવીને કિશોરે કહ્યું :

'હું આવું છું હમણાં... તમે બન્ને એક વાર જાઓ અને તૈયારી કરો.'

સરલા અને તારા બંને ઊભાં થયાં. બેમાંથી કોઈના પણ પગમાં અત્યારે ચૈતન્ય હતું નહિ. ઘર ઉપર અને કુટુંબ ઉપર જાણે મૃત્યુની ટાઢાશ ફરી વળી હોય એમ સરલા અને તારાને લાગ્યું. તેમણે જવા માંડ્યું ખરું; પરંતુ ધીમે રહીને ઉચ્ચારાયલા કિશોરના શબ્દો તેમણે જતે જતે સાંભળ્યા પણ ખરા ?

'મારી પણ વિધાત્રીનો જ વાંક ને ?... રળનાર હું એકલો અને વિધાતાએ પાંચના પોષણનો ભાર મારે માથે નાખ્યો !'

આ સાંભળ્યું ન સાંભળ્યું કરીને સરલા રસોડામાં પેસી ગઈ; તારા તે પહેલાં જ ચાલી ગઈ હતી. પાસેની ઓરડીમાંથી દર્શનનો સિતાર ઝમઝમ થઈ રહ્યો હતો. કિશોર ઊભો થયો, રસોડા તરફ જવા માટે. એકાએક તેની કલ્પનાએ સરલા અને તારાને હસતાં હસતાં તેના ખભા ઉપર ટીંગાતા નિહાળ્યાં. એટલું જાણે બસ ન હોય તેમ શોભા અને અમર દોડતાં દોડતાં આવી કિશોરના ખભા ઉપર ચડી કૂદવા લાગ્યાં. બિલાડી બાકી રહી હતી તે પણ આવી કિશોરને ખભે ચડવા મંથન કરી રહી હતી. પાંચના પોષણના ભારનું એક ચિત્ર કિશોરની પોતાની આંખ સામે રચાયું. એ ચિત્ર હતું