પૃષ્ઠ:Trishanku.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્યમવર્ગનું અર્થશાસ્ત્ર:૯૯
 

કાલ્પનિક – છતાં કલ્પના સત્ય કરતાં ઘણી વાર વધારે નક્કર બની જાય છે.

એટલામાં જ દર્શનના સિતારનો તાર તૂટ્યો અને સિતારનું સંગીત બેસૂરું બની ગયું.

તાર તૂટતાં બરોબર કિશોરના મુખમાંથી ઉદ્ગાર નીકળી ગયો :

‘હં !' અને એ ઉદ્ગારની સાથે જ કિશોરના ખભા ઉપર લટકતાં તારા, સરલા, શોભા અને અમર અદ્રશ્ય થઈ ગયાં. એ કલ્પનાચિત્ર ભૂંસાઈ ગયું ખરું, પરંતુ એમાંની બિલાડી જીવંત હતી. એ કિશોરનું ધોતિયું ખેંચતી હતી. કિશોર રસોડા તરફ વળ્યો.

એ રાત્રે કોણે શું ખાધું અને કેટલું ખાધું એનો અંદાજ કાઢી શકાય એમ ન જ હોય ! કોને કેટલી નિદ્રા આવી એ પણ કહી શકાય એમ નથી જ. તૂટેલા તાર જેમ વાદ્યને બેસૂર કરી નાખે છે તેમ આજ આર્થિક તાર ખરી અગર ખોટી રીતે તૂટતાં આખા કુટુંબનું જીવન બેસૂરું બની ગયું.

તારા વિચારી રહી :

'સારું કરવા જતાં મારાથી આ શું થઈ ગયું ? સૂતાં સુધી ભાઈના મુખ ઉપર એની એ જ છાયા ! હું શું કરું કે ભાઈ પાછા હસતા થાય ?'

સરલા આખી રાત તરફડતી જ રહી. જરા પણ ઈચ્છા વગર. જરા પણ દોષ વગર, કોઈના પણ દોષ વગર, મધ્યમવર્ગનાં જીવન કેમ ઝેર બની જાય છે તેનું સરલા એક નિર્દોષ ઉદાહરણ હતી. આખી રાત તેણે યોજના કરી, પ્રસંગોની ગોઠવણી કરી, અને તે એક જ વિચારની આસપાસ :

'હવે હું શું કરું કે જેથી સાચી વાત કિશોરને સમજાય અને એનું મુખ હસતું થાય ?'

કિશોરનું હૃદય આખી રાત જાગૃત રહ્યું. કેશબૉક્સમાં રકમ હતી છતાં પત્નીએ ના પાડી અને જૂઠું બોલી. એ જૂઠું બોલી તો બોલી પરંતુ સગી બહેને પણ એના જૂઠાણામાં સાદ પુરાવ્યો. એના વિચારનો ધ્રુવ એક જ હતો :

'પાસેમાં પાસેનાં સગાંવહાલાં બધાં જ ધનની પાછળ છે, નહિ ? ધન ન હોય તો સગપણ અને વહાલ ઘસાતાં જ જાય ને ?'

કિશોરને એમ વિચાર ન સૂઝયો કે તેની પત્ની પડોશીને આર્થિક સહાય કરી આવી હતી તેને પૂછીને પત્નીનો દોષ નક્કી કરે, બહેને કહ્યું હતું એ સત્ય છે કે કેમ, એનો નિર્ણય કરવા માટે દર્શનને પૂછવાની પણ વૃત્તિ કિશોરને થઈ નહિ. એને એક જ ધૂન લાગી : સહુ જૂઠું બોલ્યાં; પૈસા