પૃષ્ઠ:Trishanku.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અગ્નિનો ભડકોઃ ૧૦૫
 

થઈ ગયાં અને તારા તથા દર્શન પણ પરસ્પરનો હાથ ઝાલી ઊડી જતાં દેખાયા. ગઈ રાતથી એણે પોતાના કુટુંબને દુશમન તરીકે જોવા માંડયું હતું. કચેરીમાં કામકાજ કરતાં પણ તેને વારંવાર આવી ભ્રમણા થઈ આવતી. કચેરીમાંથી પરવારીને પણ એને જવાનું હતું. પોતાના કુટુંબીજનોના નિવાસંસ્થાનમાં જ ! એ વિચારે, એના ખિસ્સાને ખાલી કરતા તેનાં કુટુંબીજનો, કચેરીમાં હતા નહિ છતાં કલ્પનાજન્ય દૃશ્યમાં પ્રગટ પણ કરાવી દીધાં. એણે તેમને હડસેલી મૂક્યાં પરંતુ એ આખું દૃશ્ય સમેટાઈ જતાં તેણે જોયું કે તેના હાથના સંચાલનથી મેજ ઉપરનો શાહીનો ખડિયો ઢોળાઈ રહ્યો હતો !.... અને મેજ પાસે કિશોર પોતાનો હાથ પંપાળતો ઊભો રહ્યો હતો. તેના મનમાં એક વિચાર પણ આવ્યો :

'આજ મને શું થયું છે?'

કિશોરને જવાનો સમય થયો હોવાથી તેમ જ મેજ ઉપર કંઈ અવનવો ખખડાટ થયો હોવાથી બારણું ઉઘાડીને એક પટાવાળો અંદર આવ્યો અને પૂછવા લાગ્યો :

'મને બોલાવ્યો ?'

'જોજે, આ શાહી ઢોળાઈ છે તે ! જરા લૂછી નાખ તો ?'

શાહી લૂછતે લૂછતે પટાવાળાએ કહ્યું :

'શુકન થયા, સાહેબ !... શાથી શાહી ઢોળાઈ સાહેબ ? ઘંટડી કેમ ન વગાડી ?'

એટલામાં કિશોરના મેજ ઉપરના ફોનની ઘંટડી વાગી રહી. કિશોરે ફોન હાથમાં લીધો અને વાતચીત કરવા માંડી :

‘હા, જી. હું કિશોર.. જવાની તૈયારીમાં જ છું.... જરૂરી કામ ? મારું ? .. હા, જી. આવું... હમણાં જ.' એકાએક પોતાની ઓરડી છોડીને કિશોર બહાર નીકળ્યો અને પોતાના શેઠ જગજીવનદાસની મોટી ઑફિસરૂમમાં ચાલ્યો ગયો. શેઠ જગજીવનદાસ જરા વ્યગ્ર દેખાતા કિશોરની રાહ જોતા દેખાયા. કિશોર તેમની સામે જઈ ઊભો રહ્યો. જગજીવનદાસે કહ્યું :

જો, કિશોરકાન્ત ! તમારે અત્યારે અહીં જ કચેરીમાં બેસવાનું છે.'

'જેવી આપની મરજી. મારું કંઈ ખાસ કામ?' કિશોરે પ્રશ્ન કર્યો.

'આવતી કાલ સવારથી આપણા કારખાનામાં હડતાળ પાડવાની તજવીજ નક્કી થઈ ચૂકી છે.' શેઠસાહેબે ગંભીરતાથી કહ્યું.

'હા, જી. મેં જ આપને એ ખબર મોકલાવી હતી.'