બાળકે સળગાવી દીધી અને મારે માથે પાંચ હજાર રૂપિયાનો ડુંગર મૂકી દીધો !' કિશોરે કહ્યું. અને સરલા, તારા તથા શોભા ત્રણે જણ થોડીક ક્ષણ સુધી સ્તબ્ધ બની ગયાં. કિશોર કહેતો હોય એ પ્રમાણે થયું હોય તો બાળક અમરે ખરેખર કંઈ ભયંકર કામ કરી દીધું હતું. સ્તબ્ધતાભર્યા વાતાવરણમાં કિશોર સ્વગત બોલ્યો :
'આ રકમ હું લાવીશ ક્યાંથી ? કેવી રીતે લાવીશ ? અને તે આજની રાતમાં જ !'
'શાની રકમ હતી એ, ભાઈ ? તારાએ વ્યગ્ર બનેલા ભાઈ પાસે વધારે વિગત માગી.'
કોઈની પણ સામેય જોયા વગર કિશોરે કહ્યું : 'કાલ સવારે તો એ રકમ વડે હડતાળ અટકાવવાની હતી.'
'પણ એવી નોટો અમર જેવડા છોકરાને રમવા માટે અપાય ?' સરલાએ પુત્રનો પક્ષ લઈ પતિને સહજ ઠપકો આપ્યો. એને ક્યાંથી ખબર હોય કે કિશોરે પુત્રને એ ચોડો રમવા માટે આપ્યો જ ન હતો ! આખા કુટુંબ પ્રત્યે ભયંકર તિરસ્કાર દર્શાવી કિશોરે સ્મિત કરી કહ્યું :
'માએ દીકરાનો કદી વાંક કાઢ્યો હશે ખરો...પતિની તરફેણ કરીને ?' કિશોરના સ્મિતમાં અવનવી ક્રૂરતા અત્યારે સહુને દેખાઈ.
એકાએક તારાની નજર પોતાના ભાઈના દાઝેલા હાથ તરફ પડી, અને તે ચમકી ઊઠી. તેનાથી એકાએક બોલાઈ ગયું :
‘ભાઈ, હાથે દાઝ્યા લાગો છો !.... શાથી દઝાયું ?.. લાવો હું કાંઈ હાથે લગાડી આપું.'
'હાથનાં કરતાં પણ હૈયે હું વધારે દાઝયો છું !... કેટકેટલી ભૂલ મેં કરી છે !... પૂરતા પૈસા વગર મેં પ્રેમ કેમ કર્યો ?... પ્રેમ કર્યો તો હું પરણ્યો શા માટે ?... અને પૂરતા સાધન વગર મેં બે સંતાનો કેમ આ દુનિયાને માથે માર્યાં ?' કિશોર આમ સ્વગત બોલ્યે જતો હતો. તેની અસહાય પરિસ્થિતિએ તેને અતિશય મૂંઝવણમાં મૂકી દીધો. અને વચમાં વચમાં એ મૂંઝવણ એટલું બળ કરતી હતી કે કિશોરના મગજની દીવાલ તે તોડી પણ નાખે !
અમર હજી રડતો જ હતો; તેનાં ડૂસકાં શમ્યાં ન હતાં, શોભાને પણ કંઈ ઝાઝી સમજ પડી નહિ અને તેણે પણ પોતાની આંખમાં આંસુ હાથ વડે લૂછવા માંડ્યા. પતિની અકથ્ય વેદના નિહાળી સરલા લગભગ ભાનભૂલી બની ગઈ હતી, પરિસ્થિતિનું વિકટપણું તારા પણ સમજી ગઈ હતી. છતાં