પૃષ્ઠ:Trishanku.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગૃહસ્થાઈમાં થી ગુંડાગીરીઃ ૧૧૫
 

પોતાનાં પગરખાં પહેરી ચાલ્યો ગયો. સરલા, તારા અને બન્ને બાળકો એમ ચારે જણ સ્તબ્ધ બની અરસપરસ સામું જોઈ રહ્યાં. ભીંતે ભરાયેલા કેલેન્ડર ઉપર પગારતારીખ સરલા અને તારાએ જઈ; કબાટ ઉપરની કૅશબૉક્સ પણ જોઈ અને સરલા એકાએક રડી ઊઠી. રડતે રડતે તેણે કહ્યું

'એ પગારદિન મારો દુશ્મનદિન બન્યો. પેલી કૅશબૉક્સમાંથી સતત દુઃખનો જ ખજાનો મને મળ્યો છે. પ્રભુ મને પગારદિન ન દેખાડે અને મને કૅશબૉક્સ ન દેખાડે !'

માને રડતી જોઈને બન્ને બાળકો પણ રડી ઊઠ્યાં અને રડતી માની સોડમાં સમાવાનું મથન કરવા લાગ્યાં. એક ક્ષણ માટે તારાનું હૃદય પણ દ્રવી ગયું. પરંતુ કોણ જાણે કેમ તેને હૃદય ઉપર કાબૂ મેળવ્યો અને કહ્યું :

'ભાભી, ભાભી ! તમે તો જરા હિંમત રાખો ! ભાઈ હમણાં પાછા આવશે. તમે આમ કરશો તો છોકરાં વધારે રડશે.'

'મારી હિંમત તમારા ભાઈ સાથે ચાલી ગઈ !' સરલાએ રડતાં રડતાં જવાબ આપ્યો. જીવનભર સરલા વૈભવમાં તો ઊછરી ન હતી, છતાં તેને આવો રુદન કરવાનો પ્રસંગ કદી આવ્યો ન હતો. કોઈના પણ દોષ વગર આવી પડતી આફતમાં સ્ત્રીહૃદયને રડવા સિવાય બીજો કયો માર્ગ જડે ?

'એમ ન ચાલે, ભાભી ! ચાલો આપણે બાળકોને સુવાડી દઈએ.'

'હું શું કરું? મને કાંઈ સમજ પડતી નથી. કોઈ મને ઝેર આપે તો કેવું !' સરલાએ પોતાની આંખ લૂછતાં કહ્યું.

'ઝેર કોઈને પણ આપવાની જરૂર છે ખરી, ભાભી ? ધનહીનનું જીવન જ ઝેર છે. નહોતાં સમજ્યાં તે આજે સમજાયું.' તારાએ આશ્વાસન આપ્યું અને એકાએક દર્શનની ઓરડીમાંથી સિતારની ગત વાગતી સંભળાઈ. તારાને વિચાર આવ્યો : ઝેરભર્યા જીવનમાં સંગીત શું ? જીવન સતત સંગીતમય ન બની શકે ? સમાજવાદ અને સામ્યવાદની અનેક દલીલો કૉલેજમાં થતી તે તારા સાંભળતી હતી. ધનવિહીનતા માનવીને જીવનવિહીન બનાવી દે એના કરતાં એકજથ્થે ભેગું થતું ધન સહુમાં વેરાય, વહેંચાય તો કેવું ?

આમ તો બળી ગયેલી નોટોનો જગજીવનદાસ શેઠને હિસાબ પણ ન હોય. એવી કંઈક રકમો તેમણે જુગારમાં, શરાબમાં, સ્ત્રીઓમાં અને ધર્મમાં ફેંકી દીધેલી હતી. કિશોર જાણીબૂઝીને નોટો બાળી આવ્યો ન હતો; પુરાવામાં બળી ગયેલી નોટોના કેટલાક કકડા હાજર પણ હતા. અને નોટોમાં ગુમ થયેલી રકમ કાળજીપૂર્વક નંબર મેળવતાં સજીવન પણ થાય.