પૃષ્ઠ:Trishanku.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮: ત્રિશંકુ
 

વાક્ય પૂરું કરે તે પહેલાં શેઠે તેને જવાબ આપ્યો :

‘તમે મને લલચાવવા આવ્યા છો, નહિ ? પૈસા ખાઈ જઈને ?'

'નહિ, સાહેબ ! હું એક જ વિનવણી કરવા આવ્યો છું. મને ચોવીસ કલાકની મહેતલ આપો.. હું ગમે ત્યાં..'

'જે ચોવીસ કલાકમાં તમે સહકુટુંબ ગુમ થઈ શકો, ખરું ?'

'નહિ સાહેબ ! એવું હોત તો હું આવત જ નહિ. મારી વફાદારી આપ જાણો છો. આયપત વેરાનું પેલું કામ... કાળા બજારની ધાંધલ... સાક્ષી પુરાવાની મેં ઊભી કરેલી સગવડ.. આપ જાણો જ છો કે એક પાઈ પણ માગ્યા વગર બધામાં હું આપને પડખે રહ્યો છું.'

‘તમારી વફાદારી હું જાણું છું.... આજ મારી ખાતરી થઈ ચૂકી કે અમને ફજેત કરી પૈસા કઢાવતાં છાપામાં હકીકત તમે જ પૂરી પાડો છો.'

'કદી નહિ, સાહેબ !'

'પેલો દર્શન તમારો પાડોશી છે - અને વળી તમારા કુટુંબનો મિત્ર છે, એ વાત મારી જાણ બહાર નથી... તમારી પાછળ પણ મારા જાસૂસો નહિ હોય એમ ન માનશો. આયપત વેરો અને કાળાબજારની વાત મારી સામે ધરી તમે મને ધમકી આપવા આવ્યા છો અને તે પણ મધરાતે ? હું એ ન સમજું એવો બેવકૂફ નથી. હું તમને પોલીસને સ્વાધીન કરી દઉ છું...' આરામથી પડેલા જગજીવનદાસ શેઠ જરા અદ્ધર થયા.

‘સાહેબ ! મારી લાંબી નોકરી, નિર્લોભ નોકરી, મારું કુટુંબ અને મારું ભાવિ...' કિશોરે કહ્યું :

એકાએક જગજીવનદાસ શેઠે પાસે પડેલો ફોન ઉપાડવા માંડ્યો. અને ચમકીને કિશોરે કહ્યું :

'સાહેબ ! ફોનને ન અડકો.'

‘મને ધમકી આપવા માગો છો ?' શેઠને કિશોરની ચમકમાં ધમકીનો ભાસ થયો.

'કોઈની પાસે નથી માગી એ દયા હું આપની પાસે માગું છું.' કિશોરે અવાજમાં લાચારી દર્શાવી કહ્યું.

'ડાકણને પણ ખાઈ જતી દયા આજના માનવી માટે નહિ મળે !' જગજીવન શેઠે કહ્યું અને ફોન ઉપાડી નંબર ફેરવવા માંડ્યો. કિશોરે બે હાથ જોડ્યા અને કહ્યું :

'સાહેબ ! હું ફરી વિનંતી કરું છું, આપ ફોનને ન ઉપાડો. મારું મન અત્યારે બહુ અસ્થિર છે. આપની રકમ હું દૂધે ધોઈને આપીશ... ચોવીસ