પૃષ્ઠ:Trishanku.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાલીની ઓરડીઓમાં:૫
 

આવી છે તે ?' અમલદારે કારણ આપ્યું.

'એમાં અમારો શો અપરાધ ?' મજૂરે કહ્યું.

'ભૂલો તમે કરો ! ગેરહાજર તમે રહો ! કામ તમે બગાડો ! અને પાછા અપરાધ પૂછો છો ?' ઉપરીની સ્થિતિમાં બેવકૂફો પણ બુદ્ધિમાનોને ધમકાવી શકે છે. અને બુદ્ધિશાળી અમલદાર તો બેવકૂફ મજૂરોને જરૂર ધમકાવી શકે.

'અમે બધાંય ઓછી ભૂલ કરીએ છીએ ? ભાઈસાહેબ ! આજ પગાર ન મળે તો અમે મરી જ જઈશું.' મજૂરોને મન પગાર એ જીવનમરણનો પ્રશ્ન હતો.

'બે દિવસમાં મરી ગયો ! એમ ?' અમલદારે મજૂરને ધમકાવ્યો.

અમલદારની સહાયમાં ઊભેલા મજબૂત માણસોમાંથી એકે અમલદારને સહાય આપી પણ ખરી.

'ચાલ, ટકટક નહિ ! ભાગો અહીંથી ! દરવાજા બહાર ઉધાર આપનાર મળી રહેશે.'

‘હજી લીધેલું પાછું આપીએ ત્યારે ને ?' મજૂરથી બોલ્યા વગર રહેવાયું નહિ. એને ડારવા માટે બીજા ગુંડાના શબ્દો તૈયાર જ હતા :

'એ જ માણસ બડો તકરારી છે. એને રજા આપવી પડશે... ચલાઓ!' અને બોલનારની આંખ નિહાળી મજૂરો ધીમે ધીમે, પડેલે મુખે અને ભાંગેલા પગે વીખરાઈ જવા લાગ્યા.

સરલાને આવાં દ્રશ્યો ક્યાંથી યાદ આવ્યાં હશે ? વાંચનની એ શોખીન હતી. એનો પતિ કિશોર સરકારી નોકરીમાં પ્રવેશ પામવાને બદલે ખાનગી નોકરીઓમાં ફરતો એક સારી ગણાતી વ્યાપારી પેઢીમાં ઠીક ઊંચી કક્ષાની અમલદારી ઉપર આવ્યો હતો. અમલદારી તો હતી; એને પગાર પણ બીજાઓના પ્રમાણમાં ઠીક મળતો. પરંતુ સ્વતંત્ર ધંધો કરવાની, મહાન ઉદ્યોગપતિના ભાગીદાર બનવાની, બુદ્ધિની જાદુઈ લાકડી ફેરવી લક્ષ્મીને આકર્ષવાની તેની મહત્ત્વાકાંક્ષા હવે ભસ્મીભૂત બની ગઈ હતી. કહેવાતા ઠીક ઠીક પગારમાંથી મહામુશ્કેલીએ તેનું ગુજરાન થતું, અને બચતમાં તો.... ખાલી હવા અને ચિંતા જ રહ્યા કરતાં. બહેન તથા બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવા તેને ઇચ્છા હોય જ. પત્નીને સરસ સરસ ઘરેણાંલૂગડાંથી શણગારી પોતાની આંખને તૃપ્તિ આપવાની અભિલાષા કોઈ પણ પતિની માફક કિશોરને પણ હોય એ સ્વાભાવિક ગણાય. તેને પોતાને પણ આરામની, અભ્યાસની, પરદેશની મુસાફરીની તમન્ના હોય