પૃષ્ઠ:Trishanku.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રતિષ્ઠામાંથી ગુનામાં: ૧૨૩
 

તાળા પાસે ગયો ત્યારે ત્યાં કોઈ હાથ, છરી. મુખ કે માનવી તેને દેખાયાં નહિ. અલબત્ત તાળામાં છરી ખૂંપવાના ચિહ્ન પહેરેગીરને દેખાયાં ખરાં !

રાત્રીની, શામતા બહુ જીવન્ત હોય છે, અને એ જીવન્ત વાતાવરણમાં નિદ્રા, અને જાગૃતિ વચ્ચે સાતતાળી રમાય છે. નગરમાં તાળાંબંધીવાળાં ઘર થોડાં જ હોય છે. મોટા ભાગનાં મકાન અંદરથી બંધ હોય છે. એવા એક ઘરના અંધારા ખંડમાં પલંગ ઉપર પતિપત્ની સૂતાં હતાં. કોણ જાણે કેમ ઠંડી રાત્રે પણ જાળીને ઢાંકતું બારણું સહજ ખુલ્યું હતું - અલબત્ત, અલગ જાળીથી આખી બારી રક્ષાયેલી હતી. એકાએક જાળીના સળિયા હાલ્યા કે પછી. સૂતેલા પતિની નજરને હાલતા સળિયાનો ભ્રમ પણ થયો હોય ! પતિપત્નીનો શયનસંસર્ગ આવો ભય ઉપજાવે પણ ખરો ! ઊઘડી ગયેલી થાકેલી આંખને પતિએ બંધ કરી અને તેણે રજાઈ વધારે આગળ ખેંચી મુખ ઉપર ઓઢી લીધી. થોડીક ક્ષણ. વીતી : વધારે ક્ષણ વીતી. અને એક જાળીનો સળિયો સરળતાથી ખસી ગયો. સળિયા પાછળથી એક હાથ ખંડની અંદર આગળ વધ્યો અને લંબાઈને જાળી પાસે સૂતેલી પત્નીના હાથ તરફ વધ્યો. એ સ્ત્રીના હાથ ઉપર સોનાની કિંમતી બંગડી હતી; જાળીની બહાર કિશોરનું તંગ મુખ ઝઝૂમી રહ્યું હતું. પરાયા હાથનો સ્પર્શ થતાં પત્ની ચમકી અને તે બેઠી થઈ. એકાએક તે બૂમ પાડી ઊઠી :

‘અરે, જુઓ જુઓ ! કોઈ જાળી તોડે છે !'

'નકામી ચમક થાય છે તને ! સઈ જા જરા શાંતિથી.' પતિએ વધારે સ્વસ્થતાથી સૂઈ રહેતાં પત્નીને ઠપકો આપ્યો.

'અરે સૂઈ જાય શાંતિથી ?.. હાથ દેખાય છે... આ સળિયો તૂટ્યો છે ને !' ઉશ્કેરાયલા સાદે પત્ની બોલી ઊઠી. દેહસુખ ભોગવી ચૂકેલા

પતિની શિથિલતા તેને વધારે સ્કૂર્તિ આપે એમ ન હતી. વળી એ પતિ ગુજરાતી ધનિક યુવાન હોવાથી તેનાથી અંધકારમાં કોઈ સાહસ થાય એમ દેખાયું નહિ. તૂટેલો સળિયો અને પરાયો હાથ તેની પત્નીને દેખાયો હોવા છતાં જરા ખિજવાટથી સૂતે સૂતે ઢાંકેલે મુખે પતિએ કહ્યું :

‘પોલીસની ફરજ છે, સળિયો તૂટે તો દેખરેખ રાખવાની.. કાંઈ વહેમ હોય તો જરા ઊભી થઈ ને દીવો કર ને ?... કોઈ હશે તો તે ભાગીજશે.'

પતિ ધીરજના બોલ પૂરા બોલી રહે તે પહેલાં પત્નીએ ચીસ પાડી અને ચીસમાં તેનાથી બોલાઈ ગયું :

'કોઈ છે... છરી દેખાય છે !... ...!'