પૃષ્ઠ:Trishanku.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રતિષ્ઠામાંથી ગુનામાં: ૧૨૫
 

‘તારી છરી જોઈને હું ઘણું ઘણું સમજી ગયો.... મેં કાંઈ તારું બગાડયું છે ?'

‘મારું ઘણું બગાડયું છે તમે.'

'સુધારી આપું, ભાઈ ! કહે, તને મેં શું હેરાન કર્યો હશે ?'

“સરસ પલંગમાં આપ સૂતા છો... આરામથી નિદ્રા લો છો... મારે સૂવા માટે આજ પાંચ ફૂટ જગા પણ નથી અને પથારી પણ નથી.. હું તમને કેમ સુખે સૂવા દઈ શકું?'

'પાંચને બદલે દસ ફૂટ જગા આપું.. પલંગ પણ તૈયાર છે. મેં તારી પથારી લઈ લીધી નથી.'

'એક પણ માનવીને સૂવાનું સાધન ન હોય ત્યાં સુધી દુનિયાના કોઈ પણ માનવીને સૂવા ન દેવાય.'

'કમ્યુનિસ્ટ છે? કે ગાંડો ?'

‘એ પછી નક્કી કરીશું...'

'ખુન કરવા આવ્યો છે તું ?'

‘ના; બનતાં સુધી ખૂન નહિ !'

‘ચોરી કરવી છે ?'

‘ના; ચોરીમાં ભાગ પડાવવો છે... જો આપને હરકત ન હોય તો !'

'અને... હરકત હોય તો ?'

'આ છરો બધી હરકત દૂર કરી દેશે.'

'ભાઈ ! તું દુઃખી માણસ લાગે છે... સાથે ભણેલોગણેલો પણ લાગે છે, તારા બોલ ઉપરથી ! તારે બસો પાંચસો જોઈતા હોય તો લઈ જા !'

'એટલે થાય એમ નથી.' કિશોરે કહ્યું.

‘એથી વધારે રકમ.... તો જો ને, ભાઈ ! હું ઑફિસમાં રાખું... કે બૅન્કમાં રાખું, ઘરમાં તો કશું રાખતો જ નથી.'

‘એ હું જાણું છું... બૅન્ક અને ઑફિસની રકમ ભલે જ્યાં હોય ત્યાં રહેવા દો... પરંતુ બહુ સારી રકમ અત્યારે તમારા ઘરમાં પડી છે... એ ઉપર મારી નજર પડી છે.'

'ખોટી ખબર તને મળી છે.'

'તમારો ઘોડો શરત જીત્યો ગઈ કાલે ! નહિ ?... કે એ પણ ખોટી ખબર છે ?'

'હા... પણ...'