પૃષ્ઠ:Trishanku.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રતિષ્ઠામાંથી ગુનામાં : ૧૨૭
 

કે શેઠ બૂમ પણ પાડતા ન હતા અને ઊભા હતા ત્યાંથી ખસતા પણ ન હતા. ધીમે પગલે એ ખંડમાંથી બહાર નીકળી અગાસીમાં ગયો. એના પગમાં ચોરની કૌશલ્યભરી હળવાશ આવી ગઈ હતી; તેની આંખમાં અંધારું પણ પ્રકાશ બની જાય એવું તીવ્ર તેજ આવી ગયું. પગથિયાં સિવાય જેના પગને ઊતરતાં-ચડતાં આવડતું ન હતું તેના પગને ગમે તે સ્થળ પગથિયા સરખું ટેકારૂપ બની ગયું. જેના હાથ કલમ સિવાય બીજી કોઈ વસ્તુને સફાઈથી પકડી શકતા ન હતા તે હાથમાં એવી દક્ષતા આવી ગઈ હતી કે ભીંત, બારણું, છજું, બારી કે થાંભલો તેની ચઢ-ઊતરનાં સિદ્ધ સાધનો બની રહ્યાં હતાં. દક્ષતાપૂર્વક અગાસીમાંથી કિશોર નીચે ઊતરતો હતો. અડધે તે ઊતર્યો એટલામાં જ અગાસી ઉપર શેઠે આવી બૂમો પાડવા માંડી :

‘ચોર, ચોર ! પકડો !'

કિશોર એવે સ્થળે ઊતરતો હતો કે જ્યાંથી તે જોતજોતામાં ઉપર પણ ચડી શકે નહિ અને ઊતરી પણ શકે નહિ. તેને નીચે ઉતરી અદૃશ્ય થઈ જવા માટે બેત્રણ મિનિટ જ જોઈતી હતી; પરંતુ એ બેત્રણ મિનિટો બૂમ સાંભળ્યા પછી કિશોરને બેત્રણ કલાક જેવી લાંબી લાગી. એક વાર તેને મન થયું કે પાછો ઉપર ચઢી જઈ બૂમ પાડનાર શેઠની છાતીમાં છરો ભોંકી આવે પરંતુ અનેકના હૃદયમાં છરી ભોંકી ચૂકેલા શેઠ કિશોર ધારે તેના કરતાં પણ વધારે ચતુર હતા. એટલી બૂમોમાં ચોર ભાગી શકશે નહિ અને આસપાસથી લોકો દોડી આવશે એટલી ખાતરી શેઠના મનમાં હતી. એટલે તેમણે 'ચોર ! ચોર !'ના પોકારો સર્વ શક્તિ વાપરીને ચાલુ રાખ્યા. કિશોરને લાગ્યું કે આસપાસ અને ઉપરનીચે અવરજવર શરૂ થઈ ચૂકી છે. એ અવરજવર ગાઢ બની તેને પકડાવી દે તે પહેલાં ઊતરીને ભાગી જવાની. યુક્તિ તેને સૂઝે અને તે જમીન ઉપર પગ મૂકે તે પહેલાં તો બેત્રણ પોલીસના માણસો લાગ જોઈને કિશોરની ઊતરવાની જગા ઉપર ટાંપીને ઊભા હતા. જેવો તેણે જમીન ઉપર પગ મૂક્યો તેવો જ તેને પોલીસે ઘેરી લઈ પકડી લીધો. શેઠનો ‘ચોર ! ચોર !'નો આર્તનાદ હવે સંતોષનો ઉદ્દગાર બની ગયો હતો. લોકો ભેગા થઈ ગયા, અને કિશોરને બાંધવા માટે પોલીસે મથન કરવા માંડયું. બાંધવાનું મથન કરતે કરતે એક પોલીસે કહ્યું :

‘આ હાથમાંથી બહુ વાર છટક્યો !... બોલ, શાની ચોરી કરી ?'

‘મને બાંધવા મથશો તો તો ચોરી જડશે જ નહિ.' કિશોરે પોલીસને ડરાવતાં કહ્યું,

‘જમાદાર, સમાલજો ! ભયંકર લાગે છે !' એક પોલીસના સિપાઈએ પોતાના ઉપરીને ચેતવણી આપી.