પૃષ્ઠ:Trishanku.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮ : ત્રિશંકુ
 

 ‘હજી જોયો લાગતો નથી; નવો દેખાય છે. બતાવ, ચાલ ! શું લીધું ?' જમાદારે પોતાનું જ્ઞાન દર્શાવ્યું. હજી અનુભવી જમાદારને ચોરના મુખ સામે જોઈ સમજ પડતી ન હતી કે આવી ભયંકર ઢબે ઊતરેલો ચોર ખરેખર કોઈ પીઢ, દક્ષ, કલાકાર હતો કે માત્ર શિખાઉ ! તેના મુખ ઉપર હજી ચોરીએ ગુનાના સળ પાડેલા ચોખ્ખા દેખાતા ન હતા... છતાં તે ભયંકર તો લાગતો જ હતો. જમાદારના પ્રશ્નના ઉત્તરમાં કિશોરે કહ્યું :

'મારો હાથ જરા હળવો કરો તો હું બતાવું કે મેં શું લીધું.'

જરાક બંધનની હળવાશ અનુભવાય તો ચોરી દેખાડી દેવી કે ભાગવા માટે મથન કરવું એ વિષે કિશોરના હૃદયમાં યુદ્ધ જામ્યું. બંધને, હળવું કરતાં ચોર જરૂર ભાગી જાય એવો સિપાઈઓનો અનુભવ સિપાઈઓને પણ કિશોરની વિનંતી ધ્યાનમાં લેતાં અટકાવતો હતો. છતાં કાયદેસર વસ્તુ તો એ જ હતી કે માત્ર શેઠની 'ચોર ! ચોર !'ની બૂમ ઉપરથી કોઈ માણસને એકાએક પકડી શકાય નહિ - જ્યાં સુધી ચોરાયલો માલ તેના હાથમાંથી મળે નહિ. શકમંદ હાલતમાં તે પકડાયો હતો એ વાત સાચી; એટલે ખૂબ સાવધાનીપૂર્વક કિશોરનો એક હાથ જરાક છૂટો કર્યો. કિશોરે પણ પોતાને કપાળે સહજ હાથ અડાડ્યો અને સંતાડેલી નોટો બહાર કાઢી પોલીસની સામે ધરી કહ્યું :

'આ નોટો મેં લીધી છે.'

'લીધી કે ચોરી લીધી?' એક પોલીસે પૂછ્યું.

'શેઠે આપી અને મેં લીધી. પૂછો શેઠને કે એમણે જ રકમ મને કાઢી આપી હતી કે નહિ ?' કિશોરે જવાબ આપ્યો.

'અલ્યા, એકલો આ ચોર જ નહિ પરંતુ શેઠિયા પણ એમાં સંડોવાય એમ લાગે છે. પકડ્યે જ છૂટકો.' બીજા પોલીસે કહ્યું.

શેઠિયાઓ ઘણા ઘણા માણસોને ઘણા ઘણા પૈસા આપી અનેક કામો કરાવે છે, જેની ફરિયાદ થાય તો તે શેઠના ગુનામાં પણ ગણી શકાય. આવા ધનિક શેઠના ઘરમાં ચોરી થવી એ પણ પોલીસના નાના નોકરી માટે એક જાતની ખુશનસીબી પણ બની રહે છે. શેઠ તો ઘરમાં પકડાયેલા જ પડ્યા હતા - જો તેમનો કંઈ ગુનો થયો હોય તો ! પરંતુ એ સઘળાની ચાવીરૂપ પકડાયલો કિશોર છટકી ન જાય એ પોલીસની પહેલી કાળજીનો વિષય હતો. એટલે જમાદારે કડક બની કહ્યું :

'પાછો શાહુકાર થાય છે ?'

'આ દુનિયા કોઈને પણ શાહુકાર રહેવા દે એમ છે જ નહિ.' કિશોરે