લખાણ પર જાઓ

પૃષ્ઠ:Trishanku.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




૧૭
 
ચૌટે-ચકલે
 


આ ગુના માટે એક રાત્રિ પણ બસ થાય અને ગુનો ન પકડાય તો હજારો રાત્રિઓ પણ ગુનામાં વીતી જાય. કિશોર પકડાયો ત્યારે તેના કાન ઉપર 'ચોર ! ચોર !' એવા ભણકારા વાગ્યા જ કરતા હતા. બંધાઈને જતાં અંધકારમાં પણ તેને એક બીભત્સ હાસ્ય આવ્યું. તેના આત્માએ પ્રશ્ન કર્યો :

'ચોર ? કોણ ચોર ? સહુ કોઈ ! કોણ નહિ ?' એના જ આત્માએ પ્રશ્ન કર્યા અને જવાબો આપ્યા. ગાંધીજીની આત્મકથા કહે છે કે તેમના આશ્રમમાં તેમની પત્ની એ પણ ચોરી કરી હતી ! ગાંધીજી પ્રત્યક્ષ થતાં કિશોરની આંખ સામે ચોરોનો એક રાફડો ફાટ્યો અને તેમાંથી અનેક પ્રતિષ્ઠિત, નામાંકિત, ગુરુસ્થાનસ્થિત સ્ત્રીપુરુષોનાં મુખ દેખાઈ આવ્યાં.

પ્રભાતના પાંચ વાગ્યા હતા, અને દર્શન પોતાની ઓરડીની ચટાઈ ઉપર બેઠો બેઠો સિતારના તાર મેળવતો હતો. ચટાઈ ઉપર કેટલાય માસ સુધી માત્ર બે તકિયા જ પડી રહેતા હતા તેને બદલે એક વાળેલી પથારી હવે પડી હતી. છતાં હજી દર્શને ચટાઈ ઉપર જ સૂવાનું ચાલુ રાખ્યું હતું. સિતાર મેળવી તેણે 'રામકલી’ રાગના સૂર કરવા માંડ્યા. એ કાંઈ ગમ્યા. નહિ એટલે એની આંગળીએ 'બિલાવલ'માં પલટો લીધો. અત્યારે કોણ જાણે કેમ, એને એકે પ્રભાતનો રાગ ફાવતો ન હતો. ચિડિયાં બોલે નહિ ત્યાં સુધી બિભાસ રાગ ઊકલે નહિ ! બિભાસ જરા મર્દાનગીભર્યો રાગ ખરો ! દર્શનના દિલને ઉત્તેજિત કરે એવો રાગ જોઈતો હતો, પરંતુ સંગીતમાં જૂજજાજ શાસ્ત્રીપણું સમજનાર શોખીનો સમયના બંદીવાન બની જાય છે, અને પાંચસો વર્ષથી ચાલી આવેલી સમય અને રાગની મેળવણી જ ગોથાં ખાઈ અનેક રાગોને વિસારી દે છે. દર્શને સમયને તિલાંજલિ આપી કલ્યાણના સૂર કરવા માંડ્યા, અને એકાએક તેનું બારણું ખખડ્યું.

‘બિલ્લીને મારી ઓરડીમાં આવવાની બહુ ટેવ પડી છે. ચાલી આવ. મિયાઉં! ' કહી દર્શને આમંત્રણ આપ્યું. બિલ્લીને બદલે તેને કોકિલ સૂર સંભળાયો.

‘બારણું તો ઉઘાડો ! કોને સંબોધન કરવું તેનો વિચાર પછી કરજો.’