પૃષ્ઠ:Trishanku.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨ : ત્રિશંકુ
 

હું ભાઈની ભાળ કાઢી લાવું છું.' દર્શને કહ્યું.

'પરંતુ તમે તો સવારસાંજ સિતાર જ વગાડ્યા કરો છો. તમને ક્યાંથી ભાળ મળશે ?'

‘જુઓ તારામતી ! ગાતે વગાડતે જે મળે એ જ સાચું જીવન. પ્રભુ પણ ગાતે વગાડતે મળે તો કિશોરભાઈ શું નહિ મળે ? જરા વહેલું કહ્યું હોત તો કેવું સારું થાત ?'

‘ભાઈની ભાળ મળે તો..... હે પ્રભુ !...' તારાથી આગળ બોલાયું નહિ.

‘તો તમે શું કરો. તારામતી ?' દર્શને પૂછ્યું.

‘તો તમે જે માગો તે આપું.' તારાએ અત્યંત ઊર્મિવશ થઈને કહ્યું. દર્શનના મુખ ઉપર આછું સ્મિત ફરી વળ્યું. તેણે કપડાં પહેરી લીધાં - પત્રકાર તરીકે માત્ર કફની, ટોપી અને ચંપલ જ પહેરવાનાં હતાં. તારા અને દર્શન બહાર નીકળ્યાં અને દર્શને કહ્યું :

‘હું આવું નહિ ત્યાં સુધી તમે સરલા ભાભી પાસે બેસો.' અને દર્શન માળાની સીડી ઊતર્યો. તારા તને સીડી ઊતરતો જોઈ રહી હતી, તે દર્શનને ઊંચે જોતાં દેખાઈ આવ્યું. તેના મનમાં વિચાર આવ્યો :

‘હું પણ આ કુટુંબનો કુટુંબી બની ગયો છું ?' અને દર્શને પગ ઉપાડ્યા. બિભાસ રાગને શોભે એવી ઢબે ચકલીઓ બોલી રહી હતી. અજવાળું થતું જતું હતું. કઈ બાજુએ જવું એની એને પૂરી સમજ પડી ન હતી, છતાં એણે ચાલવા માંડ્યું... સમાચારજીવી દુનિયામાં કિશોરના અદૃશ્ય થવાના સમાચાર આકાશમાંથી પણ પડ્યા વગર ન રહે એવી તેને ખાતરી હતી. અને એકાએક વર્તમાનપત્ર વેચતા ફેરિયાનો અવાજ તેને કાને પડ્યો :

'ચોરી કરતાં પકડાયેલા સદગૃહસ્થ : એક એક આનો !'

ફેરિયાનો અવાજ સહજ દૂરથી આવતો હતો. દર્શને ઝડપથી તે તરફ પગ ઉપાડ્યા, અને બીજી પાસથી ફેરિયાનો એક બીજો જ અવાજ આવ્યો :

'વાણીવિજય’નો વધારો : એક એક આનો ! ગૃહસ્થના લેબાસમાં ગુંડાગીરી ! છેલ્લા સમાચાર !'

દર્શન બન્ને બાજુના અવાજ સાંભળી ક્ષણભર સ્થિર ઊભો રહ્યો. અમરે નોટો બાળી નાખી હતી અને તેને પરિણામે પહેલી રાતથી કિશોર અદ્રશ્ય થયો હતો એ સમાચારે દર્શનને ઘરની બહાર મોકલ્યો હતો. ચોરી