પૃષ્ઠ:Trishanku.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચૌટે-ચકલે: ૧૩૩
 

કરતાં પકડાયેલા સદગૃહસ્થ અને સદગૃહસ્થના લેબાસમાં સંતાયેલી ગુંડાગીરીના પોકારો દર્શનને પણ ચમકાવી રહ્યા હતા. ગમે તેમ બને તોપણ કિશોર ચોરી કરે એ સંભવિત હતું ખરું ? કિશોરને ચોરીની આવડત હોય ખરી ? તેથી તો પકડાયાની બૂમ પડે છે. ગભરાટમાં, મૂંઝવણમાં, કાળ ચઢાવીને કિશોરે કોણ જાણે શુંયે પગલું ભર્યું હશે ! વિચાર કરતાં દર્શને છાપું લેવા માટે પગ ઉપાડ્યા અને એથીય છેલ્લા સમાચાર આપતા વર્તમાનપત્રની એક ફેરિયાની વાણી ફરી સંભળાઈ :

'ચોરી કબૂલતો નફ્ફટ ચોર ! શરમભરમ સ્વર્ગે ગયાં! એક આનામાં અદભુત કિસ્સો !'

દર્શન આગળ વધ્યો. ત્રણે છાપાં તેણે ખરીદી લીધાં, અને વાંચતે વાંચતે તે ખરીદનારાઓના ટોળામાં થઈને કંઈ ચાલ્યો ગયો. ચાલતાં ચાલતાં તે જોઈ શક્યો કે આસપાસ વસતા લોકો પત્રો ખરીદે છે કે એટલું જ નહિ પરંતુ તેમના ઘરનાં સ્ત્રીબાળકો આ શુભ સમાચાર ધ્યાનપૂર્વક સાંભળે છે. જીવનની જાગૃતિ સાથે જ જનતાએ આ યુગમાં ચોંકાવનારા જ સમાચારો સાંભળવાના શું ? પરંતુ દર્શન પોતે જ એ ચોંકાવનારા. સમાચારોમાંથી પોતાનું ગુજરાન ચલાવતો અને એમાંથી જ આગળ, વધવાની આશા રાખતો સમાચારસર્જક શું ન હતો ?

દર્શન આમ ફરતો હતો ત્યારે પ્રભાત પણ સૂર્યોદયને આવકારી રહ્યું હતું. માનવજીવનમાં ચોરી થાય કે ન થાય, ગૃહસ્થો ગુંડાગીરી કરે કે ન કરે, તોપણ સૂર્ય તો પોતાની આકાશ-પરિક્રમા કરવાનો જ. ફેરિયાઓના પોકાર વ્યાપક બની ગયા. અને ધીમે ધીમે - નહિ, ઝડપથી – કિશોર અને દર્શનની ઓરડી આગળ પણ તેના પડઘા પડવા લાગ્યા; અરે કિશોરની પુત્રી શોભા ઓરડી આગળ રમતી રમતી ફેરિયાઓના ચાળા પાડતી હતી.

'ચોરી કરતો નફ્ફટ ચોર !'

એ જ ક્ષણે દર્શન હાથમાં છાપું લઈ ઝડપથી પગથિયાં ચડતો આવી પહોંચ્યો. શોભાની બૂમ તેણે સાંભળી, શોભાની સામે તે જોઈ રહ્યો અને એને તેણે કહ્યું :

'શોભા ! આવી બૂમ ન પાડીએ.'

'કેમ ? ફેરિયો બૂમ પાડે છે ને?' શોભાએ કહ્યું.

‘પણ તારે કંઈ ઓછો ફેરિયો બનવું છે ?'

'શા માટે નહિ હું? પણ ફેરિયો બનું !' શોભાએ કહ્યું.

'કારણ ?'