પૃષ્ઠ:Trishanku.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪ : ત્રિશંકુ
 


'કોઈ કહે છે... કોઈક કોઈક વાર... કે આપણે સહુએ કમાવું જોઈએ... નાનાં મોટાં બધાંએ, દર્શનભાઈ ! હું ફેરિયો ન બની શકું ?... લાવો, હું એક છાપું ફેરિયાની માફક અંદર ફેંકું.' નિર્દોષ શોભાને ફેરિયાની રમત અને ધંધો અત્યારે ગમી ગયાં. એને ખબર ન હતી કે એના પિતાના જ સમાચાર ફેરિયાઓ આપતા હતા.

‘નહિ, શોભા ! આજ નહિ... અત્યારે મારી ઓરડીમાં ન રમે ? ડાહી થઈને હમણાં ત્યાં જ બેસ ને ? જો આ તારી બિલ્લી તને બોલાવવા ઓરડીમાંથી બહાર નીકળી આવી. જા, મારી ઓરડીમાં રમ.' દર્શને કહ્યું અને શોભા તેની ઓરડીમાં ગઈ. એટલે કિશોરની ઓરડીનું બારણું ખોલી દર્શન અંદર ગયો.

અંદર પેસતાં બરાબર તેણે સરલાને ચોધાર આંસુએ રડતી બેઠેલી જોઈ. પાસે બેઠેલી તારાની આંખ પણ આંસુથી ભરાયલી હતી, છતાં તે સરલાને વાંસે હાથ ફેરવતી હતી. પાણીનો પ્યાલો હાથમાં રાખી મા સામે ધરી ઓશિયાળો બનેલો નાનકડો અમર ભયંકર મૂંઝવણ અનુભવતો હતો. કયી આફત ક્યાંથી, કેવી રીતે આવી હતી તેની તેને સમજ પડતી ને હતી. માત્ર તેના પિતા આજ દેખાતા ન હતા, અને તેની સાથે અગમ્ય રીતે એ આફત જોડાયેલી હોય એટલો જ ભાવ તેના મનમાં રમી રહ્યો હતો. સાથે સાથે તેણે ગઈ રાત્રે બાળેલાં કાગળિયાંનો પણ ગૂઢ સંબંધ હોય અને તેથી આ બધી આફતનો ગુનો તેને માથે હોય એવો અકથ્ય ભાવ પણ તે અનુભવતો હતો. દર્શને આ દ્દૃશ્ય જોયું. સદાય હસતું મુખ રાખવાનો નિશ્ચય કરી બેઠેલા દર્શને સ્મિત ઓસરે એવાં કારણો મળ્યે જતાં હતાં. આજ એનો અસરકારક અનુભવ થયો. ક્ષણભર થોભી દર્શને કહ્યું :

'અમર ! જરા મારી ઓરડીમાં જઈશ ? દૂધ અને બિસ્કિટ તમારા માટે મેં ત્યાં મૂકી રાખ્યાં છે. શોભા તારી રાહ જુએ છે. થોડી વાર ત્યાં જ બન્ને જણ બેસજો, હોં !'

અમર ગયો તો ખરો, પરંતુ એને કાંઈ પણ સમજ પડી નહિ. શોભાની પાસેથી ભાગી આવેલી બિલાડી અમરને પગે અથડાઈ અને તેને ઊંચકી અમર ચાલ્યો ગયો. શું બોલવું એનો દર્શન વિચાર કરતો હતો એટલામાં પાસેની સીડી ચડતી બે સ્ત્રીઓની વાતચીત ત્રણ જણે સાંભળી.

'સાંભળ્યું ને બહેન ! ચોરી થઈ તે?' એક સ્ત્રીએ પૂછ્યું.

‘મેં તો શું, પણ આખી દુનિયાએ સાંભળ્યું. હદ થઈ !' બીજી સ્ત્રીએ જવાબ આપ્યો.

એ જ માળાના નજીકના નળ પાસે ચારેક સ્ત્રીઓ પાણી ભરતી