પૃષ્ઠ:Trishanku.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬ : ત્રિશંકુ
 

આંખની ચમકમાં દેખાઈ આવતી હતી. પતિ હજી સુધી નિદ્રાની શિથિલતા અનુભવતો હતો. આખી રાતના પત્ની-સામિપ્યથી કંટાળી ગયેલો પતિ, પત્નીને પાસે બેસાડી કોઈ રોમાંચ અનુભવતો લાગ્યો નહિ. ચાનો ઘૂંટડો પી જરા જાગૃતિ લાવી પતિએ પત્નીને મીઠા શબ્દો કહ્યા :

'આ જોયું ને?'

'શું ?' પત્નીએ વાત કરવાની તક મળતાં પ્રશ્ન કર્યો.

‘આ તમે બૈરાં ! રોજ લુગડાં-ઘરેણાંનો કંકાસ કરો છો તે છેવટે બિચારા પુરુષો ચોરીએ ચડે છે !' અનુભવી પતિને પત્નીનાં લૂગડાં-ઘરેણાંની કોરી ખાતી માગણી ચોરીના મૂળ રૂપે દેખાઈ.

‘કંકાસ કરે મારી બલા ! એક મહિનો તો વીતી ગયો ! વચ્ચે પગારદિન પણ ગયો ! માગી છે એક્કે સાડી કે બંગડી મેં?' પત્નીએ પોતાની ઉદાર વિરાગશીલતાનું દર્શન પતિ સમક્ષ કર્યું.

‘મહિને મહિને તે સાડી-બંગડી ક્યાંથી લવાય ? તમને સ્ત્રીઓને આવા ખર્ચનો ખ્યાલ છે ખરો ?' પતિએ પત્નીની ઉદારતાને આર્થિક રણમાં રોળવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પત્ની એમ ઝડપથી જમીનદોસ્ત થાય એમ ન હતી. તેણે પતિ સામે ભૂતકાળનો પ્રેમ-બગીચો ઊભો કરતાં કહ્યું :

‘એમ સાડી-બંગડી ન લેવાય તો, અંહ ! પરણવાના ભસકા ન કરીએ!'

પતિને બહુ વખતથી સમજાતું ન હતું કે તે લગ્નમાં કેમ કરી ફસાઈ પડ્યો હશે ! પરણ્યા પછી એક દશકામાં બધા જ પતિઓને કાનબૂટી પકડી આ ચમત્કાર ન સમજાયાનો એકરાર કરવો જ પડે છે. જીવનમરણ સમી લગ્નની અપરિહાર્ય સમસ્યા ન ઉકેલી શકેલા પતિએ માત્ર આટલો જ જવાબ દીધો :

‘પણ હવે પરણાઈ ગયું. થાય શું બીજું?'

'જે થાય તે કરજો પણ બાપ ! ચોરી તો ન કરશો. ઝીણુંનાનું ઠીક છે, પણ આવડી મોટી ચોરી તે હોય !'

'અને તે પણ પકડાઈ જવાય એવી?' પતિએ કહ્યું. એ પતિને ચોરીનો વાંધો ન હતો; માત્ર પકડાઈ જવાનો જ વાંધો હતો.

વાતચીતની આ હળવી ફૂંક માળામાં હવે વ્યાપક બની ગઈ હતી. બાળકો બૂમ મારતાં હતાં જાહેરમાં; અર્ધ જાહેર ઉદ્દગારો પણ સંભળાયા વગર રહેતા ન હતા. પરંતુ કેટલીક પ્રતિષ્ઠિત હળવી ફૂંકો પણ કિશોરની ચોરીને જ અટામણમાં લેતી હતી. સરસ કપડાં પહેરેલી બે મધ્યાઓ એક