પૃષ્ઠ:Trishanku.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચૌટે-ચકલે: ૧૩૭
 

મધ્યાનાં બારણાં આગળ ભેગી થઈ ગઈ. કોઈની પણ નિંદા ન કરવી એ વિશ્વવ્યાપક બોધ છે. એ બોધનો ભંગ ન થાય એમ બહુ જ હળવેથી એક મધ્યાએ પૂછ્યું :

'જાણ્યું ને બહેન ?'

'આંખ આગળ બને તે કોઈ જાણ્યા વગર રહે ?'

'પણ હવે ભણેલાઓ પણ ચોરી કરતા થયા એ નવાઈ જેવું ! આજ સુધી આવું સાંભળ્યું ન હતું.'

'પણ પેલીને જોઈને ? આજ સવારથી બહાર દેખાઈ જ નથી !'

'શું જોઈને દેખાય ? વરના આવા ધંધા હોય તે !'

'છતાં બાઈસાહેબનો મિજાજ માય નહિ !'

‘મિજાજ તો બહુ જોયો નથી, એ બાઈમાં !... પણ...'

'અરે શું મિજાજ નથી !... તમને કશી ખબર નથી. મિજાજ હોય તો આવા ડોળ ન રાખીએ !'

‘ડોળ શાના? આમ તો સાદી ને સલૂકાઈવાળી છે !'

'પૈસા પહોંચે નહિ તો બધાંને ઉછીના આપવાનો દેખાવ આપણે હોઈએ તો ન કરીએ ! એ મિજાજ નહિ તો બીજું શું ?'

‘હા, બહેન ! એ ખરું. અલી બાઈ ! જ્યારે આપણે ભીડ હોય ત્યારે માગીએ અને ડબ કરતા આપણા હાથમાં પૈસા આવીને પડે જ પડે !'

'વરના આવા ધંધા છાવરવાના તો આ બધા રસ્તા નહિ હોય ?'

સંમતિસૂચક વિસ્મયમુદ્રા કરી બીજાં સુશોભિત વસ્ત્રધારી બહેન બારણા પાસેથી ખસી ગયાં.

સરલાની ઉદારતા અને સર્વોપયોગીપણું પણ આજે સ્ત્રીમંડળમાં નિંદાપાત્ર બની ગયાં. ચોરી સરલાએ કરી ન હતી, તેના પતિએ કરી હતી છતાં !