પૃષ્ઠ:Trishanku.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૮
 
દુઃખ-પોલીસ અને દુઃખમાં સહાય
 


ચૌટેચકલે આમ વાતો થઈ રહી હતી તે વખતે તો દર્શન કિશોરની ઓરડીમાં આવી ચૂક્યો હતો અને તેણે શોભા તથા અમરને પોતાની ઓરડીમાં મોકલી દીધાં હતાં. ઘણું ઘણું સંભળાયું, ન સંભળાયું તે કલ્પી લીધું, અને કલ્પનામાં સરલા અને તારા બન્નેનાં હૃદય અને આંખ ૨ડી રહ્યાં હતાં. શી વાત કરવી તેની દર્શનને સમજ પડતી ન હતી. રડતી સ્ત્રીઓને જોઈ તેનું હૃદય કપાઈ ગયું હતું. તેને થતું દુઃખ તેના મુખ ઉપરના સ્મિતને અદૃશ્ય કરી રહ્યું હતું. એકાએક સરલાએ કાન બંધ કર્યા અને આછી ચીસ પાડી ઊઠી. દર્શનને લાગ્યું કે સરલા આ ચીસ પછી કાં તો ઘેલી થઈ જશે અગર મૂર્છિત થઈ જશે. અને ખરેખર સરલાના દેહમાં એક ખેંચ આવી પણ ખરી.

દર્શન એકદમ સરલાની પાસે આવ્યો અને સરલાને સહજ ટેકો આપ્યો. સરલા મૂર્છિત થવાને બદલે એકાએક સહજ મોટેથી રડી પડી. રડતાં રડતાં તે ડૂસકે ભરાઈ; પરંતુ એ ડૂસકાં વધી જાય તે પહેલાં મન ઉપર વજ્રનો ભાર મૂકી તેણે એકાએક રુદન બંધ કર્યું અને આંખો પોતાના લૂગડા વડે લૂછવા માંડી. તારાની પણ એ જ સ્થિતિ હતી. છતાં એનું કૌમાર્ય એને સહજ મજબૂત બનાવી શક્યું. અને રુદનના સહજ પણ અવાજ વગર તેની આંખોમાંથી અશ્રુ ગર્ ગર્ પડી રહ્યાં હતાં. આંખો લૂછતી સરલાને ટેકો આપવો ચાલુ રાખી અને બીજી કાંઈ સૂઝ ન પડવાથી કહ્યું :

‘સરલાભાભી ! રડવું હોય એટલું રડી લો હમણાં જ... મન મોકળું મૂકીને !'

‘રડી લીધું, ભાઈ ! હવે વધારે પડતું નથી. થોડું રુદન કિશોરને ભાગે પણ આવવા દઉં.' સરલાએ જવાબ આપ્યો. હજી તેના કંઠમાં રુદનના ધડકાર તેના શબ્દોનો આશ્રય લઈ રહ્યા હતા.

‘કિશોરભાઈ કદી રડે નહિ, દેહ અને જીવન ભાંગીને ભૂકો થઈ જાય તોય ! એ પૌરુષનો પ્રકાર જ જુદો છે.' દર્શને કિશોરનાં વખાણ કર્યા - જ્યારે આખી દુનિયા તેના ઉપર ફિટકાર વરસાવી રહી હતી.