પૃષ્ઠ:Trishanku.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દુઃખ-પોલીસ અને દુઃખમાં સહાયઃ ૧૪૧
 

બેઠા હતા. એમની પાસે બે પોલીસ અમલદારો પણ પોતાના રુઆબદાર પહેરવેશમાં હાજર હતા. તેમની આસપાસ થોડે દૂર બેચાર પોલીસ સિપાઈઓ પણ ઊભા હતા અને જગજીવનદાસ શેઠના નોકરો પણ ઊભા હતા. ગુનાનું વાતાવરણ સ્પષ્ટ દેખાતું હતું. એક પોલીસ અમલદાર શેઠસાહેબ સાથે વાતચીત કરતો હતો અને બીજો અમલદાર પોતાની મૂછોના આંકડાને વધારે વળ આપી રહ્યો હતો. મૂછોવિહીન થતી પુરુષ દુનિયામાં હજી મૂછોને આછુંપાતળું પોલીસ અમલદારોનું જ રક્ષણ મળે છે.

'હવે શું બન્યું એ વિગતપૂર્વક મને કહી સંભળાવો, શેઠસાહેબ !' પોલીસ અમલદારે પૂછ્યું.

'ભાઈ ! રાત્રે તો એવી ટાઢ હતી કે ક્લબમાં મારે મોડું થઈ ગયેલું. ગભરાટમાં ઘણી વિગતો યાદ ન પણ રહી હોય !' શેઠસાહેબે કહ્યું.

‘તેની હરકત નહિ. ભુલાયું હશે તે અમે શોધી કાઢીશું.' અમલદારે કહ્યું.

અને એકાએક શેઠનો એક માણસ અંદર આવ્યો અને શેઠના હાથમાં એક કાર્ડ મૂકી દીધું. કાર્ડ વાંચ્યા વગર શેઠસાહેબે કહ્યું :

‘આ પોલીસની તપાસ ચાલે છે એ જોતો નથી ? શા માટે વચમાં કાર્ડ લાવે છે ?'

'સાહેબ એ આવનાર ભાઈ હમણાં ને હમણાં જ આપને કાર્ડ આપવાનો આગ્રહ કરે છે.' નોકરે જવાબ આપ્યો.

'એવો કોણ તિસ્મારખાં છે જે પોલીસની તપાસ વચ્ચે જ મને મળવા. આગ્રહ રાખે છે ?' શેઠસાહેબે ગુસ્સે થઈ કહ્યું.

‘કાર્ડનું નામ વાંચશે એટલે શેઠ સાહેબ મને તરત જ આવવા દેશે એમ એ ભાઈ કહી રહ્યા હતા.' નોકરે જવાબ આપ્યો અને ડહાપણ તથા અનુભવથી ભરેલા શેઠસાહેબે કાર્ડ વાંચવાની તસ્દી અંતે લીધી ખરી. કાર્ડ વાંચતાં બરોબર તેઓ બોલી ઊઠ્યા :

'આ પત્રકારો કોઈને જરી જંપવા દેવાના નહિ. સહેજ કંઈ બનવું જોઈએ; ટાંપીને જ રહ્યા હોય !... તેમાં કાર્ડવાળો દર્શન હમણાં જોરમાં છે ! સહુને ફજેત કરી રહ્યો છે. આવવા દો ભાઈ !' કહી નોકરને તેમણે આજ્ઞા આપી અને પોલીસ અમલદારને વિનવણી કરતાં કહ્યું :

‘સાહેબ એ આવી જાય પછી હું આપને વિગતે વાત કહું. દર્શનને જેટલો વહેલો ઘરમાંથી કાઢીએ એટલું વધારે સારું.’

‘દર્શન ! પેલો પત્રકાર ?... ...હા, ભાઈ ! હા. એ તો કોઈને છોડતો