પૃષ્ઠ:Trishanku.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાલીની ઓરડીઓમાં:૭
 

થોકડીઓ - નાની નાની કરીને ગોઠવવા માંડી. એક થોકડી, ત્રણ થોકડી...

'આ મહિને તો કાંઈ બચાવવું જ છે !' થોકડી મૂકતે મૂકતે સરલાએ કહ્યું.

'હં.' કિશોરે માત્ર હુંકારથી જ જવાબ આપ્યો.

પતિપત્ની વચ્ચે લાંબી વાતચીત થવી જોઈએ... લઢી વઢીને પણ વાતચીત લંબાવવી જ જોઈએ. પરંતુ કિશોરને પતિ તરીકે એકાક્ષરી સંમતિ સિવાય વધારે ઉચ્ચારણ કરવું ફાવ્યું નહિ.

સંધ્યા વ્યાપક બનતી જતી હતી - જેકે હજી આ ઘરમાં ઘર ગણાતી ઓરડીઓમાં પ્રકાશ થયો ન હતો. પ્રકાશ વગર ચાલી શકે એમ હતું. સરલા ચોથી થોકડી ગણી મૂકવા જતી હતી ત્યાં અચાનક કૈંકથી કિશોર અને સરલાનાં બે નાનકડાં સંતાનો અમર અને શોભા દોડતાં દોડતાં આવી પહોંચ્યાં. શોભા નવદસ વર્ષની બાળકી હતી અને અમર ત્રણ ચારેક વર્ષનો બાળક હતો. શોભાના હાથમાં એક પુષ્ટ કાળી બિલાડી હતી અને એના કબજા માટે ભાઈબહેન વચ્ચે ખેંચાખેંચી અને દોડાદોડી ચાલી રહી હતી. શોભાએ બિલાડીને જમીન ઉપર ફેંકી. બિલાડી બેમાંથી કોઈનો પણ સંગાથ ન શોધતાં પોતાને સ્વતંત્ર માર્ગે ચાલી ગઈ અને ભાઈબહેન વચ્ચે સ્પર્ધાનું પણ હવે કારણ ન રહ્યું. આ જીવંત પશુ બન્ને બાળકોનું એક પ્રિય રમકડું હતું.

કિશોર ચા પી રહી એક સિગારેટ કહાડી પીતે પીને ધૂમ્રનાં વર્તુલ ઉપજાવી રહ્યો હતો. એનું લક્ષણ બાળકો તરફ હજી ગયું ન હતું. એટલામાં નાનકડો અમર માતાની પાસે બેસી ગયો, અને તેના દેહ સાથે રમતાં રમતાં પૂછવા લાગ્યો :

'મા ! શું કરે છે તું?'

હવે માનું ચિત્ત બાળકો તરફ વળ્યું. બાળકોને પોતાની નજીક લેવાનો પ્રયત્ન કરી સરલાએ ગંભીરતાપૂર્વક કહ્યું :

‘આપણા હવે પછીના ત્રીજા દિવસનો હું નકશો દોરવા મથી રહી છું.' સરલાનો ઉત્તર નાના અમરને ભાગ્યે જ સમજાયો હોય એણે તો કહ્યું કાંઈ નહિ, પરંતુ શોભાએ જણાવ્યું :

‘નકશો?.. આ તો પૈસા છે !.. નક્શા તો દર્શનભાઈ સરસ કહાડે છે... અને ફોઈ પણ...!'

'અરે હાં જાઓ, બોલાવો તારાબહેનને. એમણે પણ હવે ધીમે ધીમે ઘર ચલાવતા શીખવું પડશે ! આ વખતે... સાંભળ્યું?... અમને સ્ત્રીઓને