જોઈએ કોઈને ફજેત કરવાનો ! પછી. પૈસા જ પૈસા !' દર્શને જવાબ આપ્યો અને શેઠ સામે તિરસ્કારથી જોયું. શેઠ એ તિરસ્કારને ઓળખી ગયા.
તેમણે કહ્યું :
‘એમ નહિ, દર્શન ! હું તને ખોટું લગાડવા પૂછતો નથી. હું તો એટલા માટે પૂછું છું કે... કિશોરના કુટુંબને કંઈ હરકત હોય તો મને જરૂર કહેજે; હું એની દુઃખી પત્નીને જરૂર મદદ કરીશ.'
'કુટુંબ દુઃખી તો છે, શેઠસાહેબ ! આપણી બધાની સલાહ પ્રમાણે કિશોરકાન્ત જો જૂઠું નહિ બોલે તો જરૂર કેદમાં પડશે, એમ થાય તો આપ આ કુટુંબને બરાબર સંભાળજો. તમારી ઉદારતા વિષે એક લેખ હું આજે જ લખી નાખીશ... આપની છબી સાથે.' દર્શને કહ્યું.
‘તો આજથી મદદ ચાલુ ગણજે ને... આ કિશોરની વહુ ઘેર આવી શેઠાણીને થોડું વંચાવે-લખાવે નહિ ?... એ જ મારી મદદ ! સમજ્યો ?' શેઠસાહેબે મદદની રીત કહી સંભળાવી. દર્શન અને જગજીવનદાસ બન્ને પાછા આવી પોતાની જગા ઉપર બેસી ગયા અને સહુ સાથે ચા-નાસ્તો લેવા લાગ્યા.
નાસ્તો લેતે લેતે આડી આંખે જગજીવનદાસ શેઠ સરલાના સ્વરૂપને વારંવાર નિહાળતા હતા. આપવા ધારેલી મદદને યોગ્ય સરલાનું સ્વરૂપ છે એટલી ખાતરી તો શેઠસાહેબને ક્યારનીય થઈ ગઈ.