પૃષ્ઠ:Trishanku.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૯
 
નવી દુનિયા અને નવા દોસ્તો
 

અદાલતની આસપાસ અને અદાલતની અંદર આજે માણસો ઊભરાઈ રહ્યાં હતાં. અદાલતના એક ખંડમાં તો માણસોને ઊભા રહેવાની, પણ જગા હતી નહિ. જે કાંઈ ખુરશીઓ અને પાટલીઓ હતી તેના ઉપર આખી અદાલતના વકીલો બેસી ગયા હતા. ન્યાયાધીશનું આસન ખાલી હતું જોકે એ આસનની આસપાસ બે કારકુનો બેઠા હતા અને પોતાની વિશિષ્ટતા અને તટસ્થતાનું ભાન તેઓ ભેગા થયેલા સર્વ લોકોને કરાવતા હતા. ઊંચા ન્યાય-આસનની આસપાસ થોડા પટાવાળા પણ રુઆબથી ઊભા હતા. સત્તાનો સ્પર્શ જ એવો છે કે પ્રધાનથી માંડી પટાવાળા સુધી સહુમાં તે પોતાની છાપ આંકી જાય છે. ખંડના દરવાજા સાચવતા કેટલાક પોલીસના માણસો પણ ત્યાં ઊભા હતા અને સામાન્ય જનતાથી પોતાનું સ્થાન જુદું છે એમ દેખાડવા પ્રયત્ન પણ કરી રહ્યા હતા. લોકોનાં ટોળાં તો એક મહત્ત્વનો મુકદમો સાંભળવા માટે જ ઊમટી રહ્યાં હતાં. જેટલા જાતે ગોઠવાય એટલા ગોઠવાઈ જતા, ન ગોઠવાઈ જતા તેમને પટાવાળાઓ અને પોલીસ અમલદારો ગોઠવાવા મથતા હતા, અને ભારે મુશ્કેલી અનુભવતા હા. આટલી માનવમેદની મળે ત્યાં સહુનો શ્વાસ પણ કારખાના સરખો અવાજ કરે. અહીં તો લોકો મોટેથી કે ધીમેથી વાતો કરતા હતા, સ્વગત બોલતા અને દૂર રહેલા કોઈ ઓળખીતાને પોકારીને પણ બોલાવતા હતા. અદાલતનો પટાવાળાઓ સીસકારીઓ બોલાવી લોકોને શાંત રહેવાનો પ્રયત્ન પણ વચ્ચે વચ્ચે કરતા હતા.

અદાલતના આ અવ્યવસ્થિત માનવમેળાના એક સ્થળે પોલીસના માણસો સાથે કિશોર ઊભેલો દેખાતો હતો. એનું મુખ બદલાઈ ગયેલું હતું, ઝાંખું પડી ગયું હતું. અને એની આંખમાં આખા દૃશ્ય સામે કટાક્ષ અને તિરસકાર ભર્યો હોય એમ જોનારને લાગતું. ઘડીમાં એ નીચું જોતો, ઘડીમાં એ ટોળાને ધારીને જોતો, એ ટોળામાં એક સ્થળે ધક્કા ખાતાં દર્શન અને સરલાનાં મુખ પણ તેના જોવામાં આવ્યાં. થોડીક ક્ષણ સુધી એ તરફ ધારી ધારીને કિશોરે જોઈ લીધું, અને એકાએક તેણે પોતાની આંખ ફેરવી લીધી. પોલીસને સૂચના પ્રમાણે પોતાનું મગજ અસ્થિર હોવાની દલીલ કરવાની