લખાણ પર જાઓ

પૃષ્ઠ:Trishanku.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮ : ત્રિશંકુ
 

પાંજરું પણ ન્યાયાધીશની સામે એક બાજુએ રાખવામાં આવે છે, જેમાં આરોપીઓ અને સાક્ષીઓ ગમે તેટલા પ્રતિષ્ઠિત હોય તોપણ તેમને ઊભા કરી દેવામાં આવે છે. કહે છે કે ન્યાયાધીશોની નિમણુકનો અધિકાર સરકારની કૃપા ઉપર રહેલો હોવાથી સરકારના પ્રતિનિધિ પ્રધાનોને માત્ર ન્યાયની તુચ્છકારવૃત્તિનું સાધન બનાવવા દેવામાં આવતા નથી. એ જે હોય તે. પાસે ઊભેલા સિપાઈઓનો ઇશારો થતાં કિશોરકાન્ત સાક્ષીના કે આરોપીના પાંજરામાં ચઢી ગયો. હવે ન્યાયાધીશની સત્તાનો સૂર્ય ઊગ્યો. કિશોરકાન્તની સામે જોયા વગર ન્યાયાધીશે પૂછ્યું :

'કિશોરકાન્ત તમારું નામ ?'

'હા, જી. આપ મને ઓળખો પણ છો... આપણે સાથે ભણતા પરંતુ આપના સસરાની લાગવગથી...' કિશોરના એ જવાબને પૂરો થવા દેતા પહેલાં ન્યાયાધીશે ગંભીરતાપૂર્વક કહ્યું :

‘એ બધું ભૂલી જાઓ. ન્યાયને આંખ નથી, કાન નથી, સ્મૃતિ નથી.'

'એવા અવયવ વગરના ન્યાય પાસે મને ખડો કરવામાં આવ્યો છે. મારું જે થાય તે ખરું.’ કિશોરે જવાબ આપ્યો.

'એમ નહિ. ન્યાયાધીશ પાસે તો માત્ર ન્યાયનું જ ત્રાજવું છે. સાક્ષીપુરાવા તોળીને હુકમો આપવાનું છે... ...સાંભળો, તમારે જવાબ ન આપવો હોય તો તે તમને અધિકાર છે; તમારો જવાબ બળજબરીથી લઈ શકાય નહિ. પણ જો જવાબ આપશો તો તે તમારી વિરુદ્ધ એ જવાબ આપશે.' ન્યાયાધીશ ન્યાયની. નિર્મળ તટસ્થતા આરોપીને સમજાવી.

'સાચો જવાબ આપું કે જૂઠો ?' કિશોરે પૂછ્યું. . ‘ન્યાયાસન પાસે કદી જૂઠું બોલવું નહિ. સાચું બોલવામાં જ ન્યાયને સહાય મળે છે.'

‘વારુ, આપ પૂછશો એનો હું સાચો જ જવાબ આપીશ. ન્યાયને સહાયભૂત થવા.' કિશોરે કહ્યું.

‘તો બોલો, તમારા ઉપર આરોપ મુકાયો છે તે ચોરી તમે કરી છે ?' ન્યાયાધીશે પ્રશ્ન કર્યો.

'જુગારમાં સારું એવું કમાયલા શેઠના પૈસાની મારે એકાએક જરૂર પડી. ખુલ્લી રીતે મને કોઈ પૈસા આપતું ન હતું. એટલે મેં જોર કરીને પૈસા લઈ લીધા. એ ચોરી કહેવાય તો મેં ચોરી કરી છે.' કિશોરે કહ્યું. અને માનવમેદનીમાંથી એક આછું ડૂસકું સંભળાયું. એ તરફ જોયા વગર જ કિશોરે સમજી લીધું કે એ ડૂસકું સરલાનું જ હતું.