અહીં તો કાયદા પ્રમાણે ન્યાય કરવાનો રહે છે.’ ન્યાયાધીશે કહ્યું.
'સાહેબ ! કાયદો ન્યાય આપતો ન હોય તો આપે તે રદ કરાવવો જોઈ.' કિશોરે કહ્યું.
'એ ફરજ મારી નથી.'
'જેની એ ફરજ હોય તેને કહો... મેં મારી ફરજ બજાવી છે.'
'આવી ફરજ બજાવતા તો તમે સમાજમાં ઘમસાણ મચાવી મૂકશો.' ન્યાયાધીશે કહ્યું.
‘ઘમસાણ ? ન્યાયાધીશ સાહેબ ! જરા ન્યાયાસનેથી નીચે ઊતરી નિહાળશો તો આપને ખબર પડશે કે સમાજમાં ઘમસાણ આજ ક્યારનુંયે મચી ચૂક્યું છે.' કિશોરે કહ્યું.
'એ ન્યાયને જોવાનું નથી.' ન્યાયાધીશે કહ્યું.
'એ ન્યાય નહિ જુએ તો કોણ જોશે ?'
‘અમને ન્યાયાધીશોને તમે કહો છો એવું કાંઈ દેખાતું નથી. અને દેખાતું હોય તોપણ અમને કાંઈ લાગેવળગે નહિ. કાયદાનો સાચો અમલ એ અમારા ન્યાયાધીશોનું સાચું કર્તવ્ય !'
‘સમાજ પ્રત્યેની આવી બેપરવાઈમાં તમે ન્યાય આપવાનો ડોળ કરો છો. ન્યાયાધીશ સાહેબ ! આજ નથી. રોજગારની સલામતી, ભૂખે મરવાનો ભય ચારે પાસ વ્યાપક, જુગાર, છળકપટ, ગરદન કાપતી હૂંસાતૂસી અને ફટારની ધાર જેવી નફાખોરીમાંથી પૈસો ભેગો થાય એવી પરિસ્થિતિ ! છતાં આપને ઘમસાણ દેખાતું નથી ? ભલે ! પણ આજ તો માણસાઈ વાપરે એણે મરવાનું એ વધારામાં. સાહેબ. ! સાચો ન્યાય કરવો હોય તો લખી દો તમારા ઠરાવમાં કે ચોરી અને છળકપટ વગર આજના સમાજમાં ધન મળતું નથી.' કિશોરે જરા જોરદાર વાક્યોમાં કહેવા માંડ્યું. તેને શાંત પાડતાં મેજ ઉપર જરા હાથ ઠોકી ન્યાયાધીશસાહેબે કહ્યું :
'બસ ! બસ કરો ! તમે તમારા દુ:ખમાં સામ્યવાદી બની ગયા લાગો છો, અને એમ કરી આખી જાહેર જનતાને તમે હલકી પાડો છો.’ ન્યાયાધીશે કહ્યું.
‘મારો વાદ જે હોય તે. મેં તો આપને સત્ય કહેવાનું વચન આપ્યું હતું. આપની સામે બેઠેલા અને ઊભા રહેલા પ્રતિષ્ઠિત માનવસમાજને પૂછો કે ચોરી કર્યા વગર આમાંથી કયો માનવી જીવી શકે છે ? હું તો આપને પણ પૂછું છું. આપ પણ ચોરી કરીને જ જીવો છો.' કિશોરે કહ્યું.
'બસ, બસ ! મારે વધારે સાંભળવું નથી. તમે ગુનો કર્યો છે એવી