પૃષ્ઠ:Trishanku.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬ : ત્રિશંકુ
 

બીજું શું કરે છે, તું ?'

'હું છાપાં વેચું છું અને ભણું છું.'

'તને છાપાં વેચવા કોણ આપે છે ?'

'મારા એક ઓળખીતા છે. તે મને રોજ આટલી નકલો વેચવા માટે આપે છે.' શોભાએ જવાબ આપ્યો.

‘જો, મારે થોડી ચોપડીઓ વેચાવવી છે. તું વેચી આપીશ ?'

'હા, શા માટે નહિ ?'

'કાલે તું અહીં જ હોઈશ કે બીજે ? તું જો મારી ચોપડીઓ વેચી આપીશ તો હું તને સારું મહેનતાણું આપીશ.'

‘હા, જી. હું આ જ જગાએ. હોઈશ. હું પુસ્તક પણ વેચી આપીશ...

જરા વાંચીને. અને મહેનતાણું તો જે આપશો તે.' કહી શોભા પત્ર ખરીદનારની સામે સહજ જોઈ રહી. એ માણસ સહજ હસી શોભાને જોઈ ચાલ્યો ગયો. નિત્ય જે જે બનતું તે શોભા પોતાની માતાને અને દર્શનને કહ્યા વગર રહેતી નહિ. પત્રોના વેચાણમાંથી શોભાને જે રકમ મળતી તેમાં તેને એક પ્રકારનું અભિમાન ઉત્પન્ન થતું.

શોભા આમ કમાણી કરતી હોય ત્યારે તારા પણ પોતાના સમયનો કમાણીમાં ઉપયોગ કરે એમાં નવાઈ ન જ મનાય. એક નાની ઓરડીમાં સંધ્યાકાળે વીજળી-દીવાની મદદ વડે ટાઈપ-રાઈટર ઉપર તારા અત્યંત ઝડપથી કાગળો છાપ્યે જતી હતી. એની પાછળ આવીને દર્શન ઊભો રહ્યો હતો તેની પણ તારાને ખબર પડી નહિ, એટલી તે પોતાના કામમાં મશગૂલ હતી. અંતે છાપકામ પૂરું થયું, તારાએ કાગળો ભેગા કરી ફાઈલમાં મૂકયા, ટાઈપ-રાઈટરને બંધ કરી દીધું અને થાકેલા હાથ ઊંચા કરી તેણે આળસ મરડ્યું. તે જ વખતે તેનો એક હાથ પાછળ ઊભેલા દર્શનને અડક્યો અને તારા ચમકીને ઊઠી, ઊભી થઈ પાછળ જોવા લાગી. દર્શનને જોઈ તે સ્વસ્થ બની બોલી :

‘બાપ રે ! તમે છો ? બોલતા કેમ નથી ?'

‘મહત્ત્વનું કામ કોઈ કરતું હોય તેમાં બોલીને અડચણ કરવી એમાં હું મહાપાપ માનું છું.' દર્શને કહ્યું.

'તે તમે પાપપુણ્યમાં માનો છો ખરા ?'

'‘જરૂર પૂરતું માનીએ.... જેવો સમય અને જેવો પ્રસંગ !' દર્શને હસતે હસતે જવાબ આપ્યો.

'એના કરતાં એમ જ કહો ને કે તમે પાપપુણ્યમાં નથી જ માનતા ?'