પૃષ્ઠ:Trishanku.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પગ ઉપર ઊભું રહેતું કુટુંબ : ૧૬૧
 

વાળીને મૂકી દીધી. પરંતુ નોટો મૂકતે મૂકતે પેટીમાં અને પેટની આસપાસ કીડીઓ ફરતી શોભાને દેખાઈ. શોભા બોલી ઊઠી :

‘આમાં કીડીઓ શાની ? મા ! કૂંચી આપજે. હું જરા પેટી સાફ કરું ઘર ચોખ્ખું રાખીએ છીએ તોય. આ કીડીઓ ક્યાંથી આવી ?'

સરલાએ પુત્રી તરફ કૂંચી ફેંકી. સરલાને કેશબૉક્સમાં હવે કંઈ રસ રહ્યો ન હતો. શોભાએ કબાટ ઉપરથી પેટી ઉતારી તેને ઉઘાડી નાખી, અને તેમાંના પૈસા જમીન ઉપર ઠાલવ્યા. પૈસા અને નોટોની સાથે થોડી. પીપરમીટની ગોળીઓ પણ નીકળી આવી. શોભા જરા વિચારમાં પડી. એટલામાં દોડતો દોડતો નાનકડો અમર પણ ત્યાં આવી પહોંચ્યો. શોભાએ તેને પૂછ્યું :

‘ભાઈ ! આ ગોળીઓ તેં આમાં નાખી છે શું?'

'હા, બહેન ! એ મારો ફાળો. બધાં ફાળો ફાળો કરે છે... તે હું બેંકમાં શું બીજું મૂકું ? મને ગોળીઓ મળે છે તે થોડી થોડી બચાવી પેટીમાં નાખું છું.' અમારે જવાબ આપ્યો.

સરલાના મુખ ઉપર બાળકની અણસમજ ઘેરો વિષાદ ઉપજાવી રહી. પરંતુ શોભા તો ખડખડાટ હસી અને ભાઈને કહેવા લાગી :

‘હાં... હાં... તેં મને કહ્યું હતું ખરું કે તું પણ મારી માફક બેંકમાં કંઈ મૂકે છે ખરો ! પણ જો આ તારી ગોળીઓ આપણે જુદી બેંકમાં રાખવી પડશે. નહિ તો કીડીઓ તારી ગોળીઓ સાથે પૈસાને પણ કાપી ખાશે.'

'આપણી બિલ્લીને સાથે ન લાવ્યાં ને, એટલે કીડીઓ ચઢે ને ?' અમરે કારણ આપ્યું.

શોભા પાછી ખડખડ હસી. એટલામાં ઘરના આગલા બારણાને સહજ ધક્કો વાગ્યો. ‘મિયાઉ', ‘મિયાઉં' એવો અવાજ થયો અને અમરે એકાએક દોડતાં જઈ બારણું ઉઘાડ્યું અને બિલાડીને ઉપાડી અંદર લાવ્યો. એની પાછળ તરત જ તારા અને દર્શન ઘરમાં આવી પહોંચ્યાં. અમર ખુશ થતો થતો બોલી ઊઠ્યો :

‘છેવટે ઘર જડ્યું ખરું ! મા ! બિલ્લી આવી ગઈ.'

સહુ હસવા લાગ્યાં અને બિલ્લીને પકડી સહુએ આનંદ પ્રદર્શિત કર્યો. બિલ્લીને પણ પોતાનાં જાણીતાં માણસો જડ્યાં એથી બહુ આનંદ થતો દેખાયો.

માત્ર સરલાના મુખ ઉપર કશો જ આનંદ હતો નહિ. એના હૃદયમાં એક ઓછપ દેખાયા જ કરતી હતી.