પૃષ્ઠ:Trishanku.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬ : ત્રિશંકુ
 

જગાઓ આ કીડીઓએ બદલી ? ઘવાય છે, મરે છે, છતાં વગર બોલ્યે પાછી સજીવન... એના રાફડામાં એનો અન્નભંડાર એ ભર્યોપૂર્યો રાખે છે... માનવીને માનવભંડાર સાચવતાં ક્યારે આવડશે ?... નહિ નહિ, એક્કે કીડી ચોરી કરતી નથી, લૂંટ કરતી નથી. એકલી ખાતી નથી... મેં લીધો એ માલ સાચો તો નહિ જ... ભૂલ મારી કે સમાજની ? અને સમાજે ભૂલ કરી હોય તોય, મારામાં એ સમાજની હારને બદલાવવાની શક્તિ કઈ? શક્તિ ન હતી, એટલે તો હું પકડાયો અને આજ સમાજમાંથી ફેંકાઈ જઈ કેદખાને પડ્યો ! નહિ નહિ, એ પાટે જીવન ન જ ચાલે, કીડીનું પણ નથી ચાલતું તો માણસનું તો કેમ ચાલે ?'

કીડીઓની સતત ચાલી જતી હારમાં એ માનવસમાજના રૂપકને ઘટાવી રહ્યો. સમાજને ફેરવવા માનવી કેદખાને ભલે આવે, પરંતુ એના કેદખાને આવવાથી સમાજનો આખો પ્રવાહ બદલાઈ જવો જોઈએ - જેમ ગાંધીજીના કેદપ્રવાસોએ કર્યું હતું તેમ. પ્રવાહ ન ફેરવાય તો કેદખાને મોકલતું સમાજવિરોધી બંડ નિષ્ફળ હવાતિયું બની રહે છે. તેનાથી બોલાઈ ગયું :

'કોઈ નવું સમત્વ માનવીએ સર્જવું પડશે !'

કેદખાનું સમત્વ આપનારું સર્જન તો નહિ જ ને ? સમત્વ આપનારાં બીજ માનવસર્જનો ક્યાં હશે ?

***

તારાને આર્થિક પોષણ આપતી એક નાનકડી કોટડી ઑફિસરૂમ-ટાઇપિંગરૂમ, જે નામ આપવું હોય તેમાં તારા ટાઇપિંગ કરી રહી હતી. કેટલાક દિવસથી એક જાણીતા વકીલના પુત્રે જાતે વકીલ બની પિતાની સાથે વકીલાતના કામમાં પ્રવેશ કરી આગળ વધવા માંડ્યું હતું. દર્શનની ભલામણ હતી. તારાનું યૌવન આકર્ષક હતું અને કદરૂપા પુરુષ ટાઈપિસ્ટને સ્થાને રૂપાળી યુવતીને ટાઈપિંગ કામે રોકવા માટે યુવાનોને જ નહિ પણ વૃદ્ધોને પણ હરકત ન જ હોય ! કૉલેજમાંથી ભણી રહી તારા ટાઇપિંગનું કામ સાંજે કરતી.

જરૂરી કામ હોવાથી એ યુવાન વકીલ - કે વકીલપુત્ર - ટાઈપિંગનું કામ કરતી તારા સામે બેઠો હતો. એ હતો તો યુવક, પરંતુ તે ફિક્કો, ચિમળાયેલો, ચશ્માંધારી અને વિષયી લાગતો હતો. સતત સિગારેટ પીવી એમાં આજનું યૌવન પુરુષાતન માને છે. આ યુવાન પણ બેઠો બેઠો તારાની સામે નજર કરી સિગારેટના ધુમાડા કાઢી રહ્યો હતો. હજી હિંદના સમસ્ત