પૃષ્ઠ:Trishanku.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦: ત્રિશંકુ
 

હજી ફિક્કાશ ઉપજાવી ન હતી. પરંતુ એ વયને શોભે એટલો આનંદ કે ઉત્સાહ અત્યારે તેના મુખ ઉપર દેખાતો નહિ. એક કાગળની થોકડી લઈ, જોઈ તેણે એકાએક જમીન ઉપર પટકી ! એ કાંઈ બોલતો ન હતો. પરંતુ ઓરડીની દીવાલમાં કોઈના વિચારનું ઉચ્ચારણ પ્રગટાવવાની શક્તિ હોત તો દર્શનના આ માનસબોલ એમાંથી ગુંજી રહ્યા હોત :

આ સર્વ મારી લખેલી કહાણીઓ !... મારી વર્ષોની મહેનત !... પડી રહી છે મારી પાસે ત્રણેક વર્ષથી !... એમાંથી મોકલું છું... જેટલા ઉમંગે મોકલું છું એટલી ઝડપે એ પાછી ચાલી આવે છે... મને લખતાં નથી આવડતું ? કે લોકોને વાંચતાં નથી આવડતું ? બીજા વાંચે એ ઉદ્દેશથી લખનાર કેમ એમ કહી શકે કે લોકોને વાંચતાં આવડતું નથી ?.. કેટલા દિવસો આમ વીત્યા?... અને હજી વીતશે ?

દર્શન કાગળો બાજુએ મૂકી ઊભો થયો. ઓરડીમાં એણે સહજ ફરવા માંડ્યું. તેની નજર પ્રથમ સિતાર ઉપર પડી. આનંદનું એ પ્રિયતમ સાધન ! પરંતુ અત્યારે એ પ્રિય વસ્તુ પણ તેને પ્રિય ન લાગી. એણે ફરતે ફરતે એક નાનકડી બારીમાંથી બહાર નજર નાખી. ઓરડીની રચના એવા પ્રકારની હતી કે એ બારીમાં નજર પડતાં કિશોરની ઓરડીઓમાં સહેજે જ નજર પડી જાય. એણે જોયું કે કિશોરકાન્ત બહારથી આવી ચટાઈ ઉપર બેઠેલી સરલા સામે પગારનો લિફાફો ફેંકી રહ્યો છે !

એનું હૃદય બોલી ઊઠ્યું :

સહુને યાદ રહે એવો એક આજનો દિવસ !... જેના ઉપર લાખોકરોડો માનવીઓનું કિસ્મત ઘડાય છે, બગડે છે, સુધરે છે, એ પગારદિન!

દર્શન જોઈ રહ્યો કે સરલા એ લિફાફા ઉપર કેવા ભાવથી પોતાની આંગળીઓ ફેરવી રહી છે ! થોડી વારમાં સરલા એ રકમ ગણશે પણ ખરી અને આખા માસની એ કુટુંબની જિંદગી એ પડીકામાં ગોઠવી દેશે પણ ખરી ! એ પગાર તારીખ ઉપર મહાકાવ્ય પણ રચી શકાય, વર્તમાન યુગમાં ! રાષ્ટ્રપ્રમુખો, રાજ્યપાલો, પ્રધાનોથી માંડી નાનકડા શિક્ષક કે એથીયે નાના પટાવાળાઓના જીવનને ગતિમાન કરતી એ તારીખ !

'પરંતુ મારે..એક નિરુપયોગી લેખકને તો એ તારીખ પણ નહિ !... કલમને ખોળે મસ્તક મૂકી મારે જીવવું હતું નર્મદની માફક... પરંતુ નર્મદ પણ સફળ ન થયો અને હું પણ અસફળ.... મહિનાઓના પ્રયત્ન પછી અંતે મેં પણ નોકરી સ્વીકારી... એક પત્રમાં... વર્તમાનપત્રમાં... જે વર્તમાનપત્રે જીવવાનું જ લોકમાનસને ચમકાવતાં !'

કૈંક મહિનાઓ થયાં દર્શન શહેરમાં આવી વસ્યો હતો. સારું ભણ્યો