પૃષ્ઠ:Trishanku.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬ : ત્રિશંકુ
 

આવી ચડ્યો ? હમણાં તો દેખાતો નહિ.' તારાએ વાત બદલી નાખવા કહ્યું.

પરંતુ દર્શને તારા સામે જોયું, આજુબાજુએ જોયું, ચન્દ્ર સામે જોયું, તળાવની કુમુદિની સામે જોયું અને પછી જરા વાર લગાડીને કહ્યું :

‘તારા ! હું આવ્યો હતો તને એક મહત્ત્વના સમાચાર કહેવા; ત્યાં તો તને યુદ્ધે ચડેલી જોઈ ! એટલે સમાચાર કહેવા રહી ગયા છે.'

‘અહીં તો યુદ્ધ નથી ને ? અહીં તો હું પરાજિત બની રડી રહી હતી. કહે, શા સમાચાર છે?;

‘સમાચાર એવા છે કે કદાચ પાછી તું યુદ્ધ ચડે... મારી સાથે.' દર્શને સહજ સ્મિત સહ કહ્યું.

‘તેં જ કહ્યું છે ને કે સ્ત્રી સાથે યુદ્ધ થાય તો હાર કબૂલી લેવી ? કહે, શા સમાચાર આપવાના છે?... ભાઈ તો હવે છૂટે છે; ખરું ને ?'

'હા. પણ કિશોરભાઈ છૂટતા પહેલાં કે છૂટીને કોઈને મળવાની હા પાડતા જ નથી. હું કેટલીય વાર જઈ આવ્યો. પણ આ સમાચાર બીજા જ છે. તું જો એ સાંભળવાની “હા” પાડે તો બીજા ઘણાની તારા ઉપર ફરતી કૂડી આંખ જરા હળવી થાય !'

‘એટલે ? મને સમજ પડે એવું બોલ ! મને પરણવાની શિખામણ આપવાનો છે શું ?'

'તીવ્ર બુદ્ધિની સ્ત્રીઓને શું કહેવું પડે ? જો. તારા ભાઈ અને ભાભી ક્યારનાં આ વાતની ચિંતા કરી રહ્યાં હતાં.' દર્શને કહ્યું.

એમાં નવીન પ્રશ્ન ઊભો થતો હતો. પરંતુ તારાએ જાણે એ પ્રશ્નમાં કંઈ નવીનતા ન હોય એમ જવાબ આપ્યો :

'મેં ક્યાં પરણવાની ના પાડી છે ?... તારી પોતાની સિફારસ તો તું નથી કરતો ને ?' સહજ હસીને તારાએ બીજું વાક્ય ઉચ્ચાર્યું.

'બાપ રે! એ ભય ઊભો થયો એથી તો હું મારું ગામડાનું ઘર છોડીને અહીં નગરમાં આવ્યો છું ! સિફારસ મારી નથી એ તું નક્કી જાણજે.'

‘ત્યારે તું વળી કોની ભલામણ લઈ આવ્યો છે?' . 'કહું? ચમકીશ નહિ... અમારા તંત્રી સુખલાલની ભલામણ છે... તું જાણે છે કે એણે કેટલી વાર તને કામ સોંપ્યું છે અને પૈસા પણ આપ્યા છે.'

'હં. એની ભલામણ છે... એના પુત્ર માટે છે કે એના પૌત્ર માટે ?' તારાએ જરા તિરસ્કારથી પ્રશ્ન કર્યો.

‘શી ઘેલી વાત કરે છે, તું ? તે વાંચ્યું નહિ કે એ બિચારા સુખલાલની પત્ની ગુજરી ગઈ છે ?'