પૃષ્ઠ:Trishanku.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચંદ્ર, કુમુદ અને ભમરીઃ ૧૭૭
 

એ તો વાંચ્યું હતું. શોક પ્રદર્શિત કરવા સુખલાલ પાસે હું જાતે જ આવવાની છું... હમણાં જ ગુજરી ગઈ ! હજી તો એ બિચારી સ્વર્ગમાં પહોંચી પણ નહિ હોય !'

‘પહોંચી તો ગઈ, તારા ! તું જાણે છે કે આત્માની ગતિ બહુ ઝડપી હોય છે !' દર્શને કહ્યું.

‘એ આત્માને શાંતિ મળો !...પણ એ વાતનો મારી સાથે શો સંબંધ?' તારાએ પ્રશ્ન કર્યો.

‘તારી સાથે નહિ તો કોની સાથે સંબંધ ! પત્નીથી ટેવાયલા, પત્ની વિહોણા સુખલાલને હવે પત્ની તો જોઈએ ને ?' દેર્શને પોતાના તંત્રીની ભલામણ ધીમે ધીમે કરવા માંડી.

'પણ દર્શન ! આ એની પત્ની કેટલામી હતી ?' તારાએ જરા આંખમાં રમૂજ લાવી પૂછ્યું.

‘વધારે નહિ, ત્રીજી વારની !' દર્શનની આંખમાં પણ જરા રમૂજ દેખાઈ ખરી. અલબત્ત કોઈના મૃત્યુની વાતચીત કરતા કોઈએ પોતાની આંખમાં રમૂજ લાવવી ન જોઈએ.

‘અને હું એની ચોથી વારની પત્ની બનું એવી ભલામણ કરવા તે આવ્યો છે !... તું તે નળનો હંસ છે કે દેવોનો નળ છે?' તારાએ જરા ત્રાસથી જવાબ આપ્યો.

‘જો, તારા ! આર્થિક આંધી અને રોજની કાળી મજૂરીમાંથી ઊગરવું જ હોય તો ધનિક પુરુષની પત્ની બનવું એ સ્ત્રીઓ માટે વ્યવહારુ માર્ગ ખરો !'

'અને પછી નિત્યની રસઆંધી અનુભવવી કે પ્રેમના જૂઠાણાની ભુલભુલામણીમાં રમ્યા કરવું, ખરું ને ?' તારાએ જવાબ આપ્યો.

‘ચબરાકીભર્યું બોલવું અને ચબરાકીભર્યું જીવવું એમાં ઘણો તફાવત છે, તારા !... અમારા શેઠસાહેબ તો જવાબની રાહ જોતા આટલામાં ફરતા હશે... અને આજે જ - રાતમાં જ જવાબ માગે છે. જવાબ અહીં જ મળી જાય એવી તેમને ઉતાવળ છે.' દર્શને કહ્યું.

જરા દૂર દૂર ચંદ્રની ચાંદનીમાં તંત્રી સુખલાલ જેવી કોઈ આકૃતિ ઘડીમાં દેખાતી અને ઘડીમાં અદૃશ્ય થઈ જતી. તારાએ જોઈ પણ ખરી. તારાએ જરા વિચાર કરી દર્શનને કહ્યું :

‘તું કહી દેજે કે મારે કંઈ જવાબ આપવો જ નથી ! શું થયું છે આ પુરુષજાતને? એકને પ્રેમ કરવો છે, બીજાને પરણવું છે, ત્રીજાને આંખ