પૃષ્ઠ:Trishanku.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચંદ્ર, કુમુદ અને ભમરઃ ૧૭૯
 

હમણાં જ ઘરમાં આવેલી શોભા હાથમાં પેપર રાખીને આવે છે અને કૅશબૉક્સમાં થોડી રકમ નાખી અંદર ચાલી જાય છે.

એટલામાં તારા પણ આવી પહોંચી; એણે પણ ઓરડીમાં એકાંત જોયું અને એણે પણ એ જ પેટીમાં થોડી રકમ નાખી.

દુઃખીમાં દુઃખી માણસને જીવવા માટે જમવું પડે છે. ચારે કુટુંબીજનો જમ્યાં અને સૂતાં. સહુના સૂતા પછી થાકેલી સરલાએ પણ થોડી રકમ પોતાનાં વસ્ત્રોમાંથી કાઢી એ પેટીમાં નાખી.

એકાએક સરલાની આંખ સામે કિશોરની કલ્પનામૂર્તિ ખડી થઈ !

એક વાર દેખાયું કિશોરનું હસતું મુખ; બીજી વાર દેખાયું કેદખાને જતું કિશોરનું ગંભીર મુખ.

સરલાના હૃદયમાં વિચાર આવ્યો :

'હવે તો જોત જોતામાં છૂટી જશે !... કેમ કોઈને પણ મળવાની ના પાડે છે ?.. અમારો શો વાંક હશે ?... સીધા અહીં ચાલ્યા આવે તો કેવું ?'

દીવો હોલવીને સરલા ચટાઈ ઉપર સૂઈ ગઈ.