પૃષ્ઠ:Trishanku.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાલીના સૌંદર્યમાંથી : ૧૧
 

હતો, પરંતુ એને સારી સરકારી નોકરી મળી નહિ. એના કરતાં ઊતરતી કક્ષાના યુવકો ઈંગ્લંડ, અમેરિકા, જર્મની કે સ્વીટ્ઝરલેન્ડની ઉપાધિઓ લઈ આવી એને બાજુએ હડસેલી દેતા હતા. ખાનગી નોકરીનો તેને મોહ પણ ન હતો. અને વધારામાં તેનું હૃદય એક અભિમાન સેવી રહ્યું હતું કે તેની લેખનશૈલી તેને માટે ગમે ત્યાં જરૂર માર્ગ કરી આપશે જ. એ સુંદર કવિતાઓ લખતો હતો. કવિતાઓ સુંદર હતી એવી એને પોતાને તો ખાતરી હતી જ; ઉપરાંત એના મિત્રો પણ એની કવિતાનાં વખાણ કરતાં થાકતા નહિ. કોઈ કોઈ મહા વિદ્વાનની દ્રષ્ટિએ તેની કવિતા પડતી અને તેઓ પણ તેને ઉત્તેજિત કરતા હતા. કાવ્યના એકએક ટુકડા ઉપર તો રાજા વિક્રમ અને ભોજ લાખલાખ રૂપિયા ન્યોછાવર કરતા હતા ! દર્શનની એકએક કવિતા ઉપર સો રૂપિયા ફેંકનાર પણ કોઈ નહિ મળે શું ? દર્શને પોતાની કવિતાઓ માસિકોમાં, અઠવાડિકોમાં, દૈનિકોમાં મોકલવા માંડી. એને લાગ્યું કે પત્રોના તંત્રીઓ વચ્ચે અને તેની પોતાની વચ્ચે તેની કવિતાઓ સંબંધમાં કાંઈ અને કાંઈ મતભેદ રહ્યા કરતો હતો. કદી કદી તેની કવિતા છપાતી પણ ખરી. છતાં એ કવિતા પાછળ તંત્રીની કાંઈ અને કાંઈ ટીકા હોય ખરી ! એ કવિતા કાં લાંબી હોય કે કાં ટૂંકી હોય ! દેશાભિમાનથી ધબકતી એક કવિતા તેણે લખી મોકલી ત્યારે તંત્રીએ એ પાછી વાળતાં લખ્યું :

‘હવે પછી આવી જોરશોરભરી કવિતાને બદલે વાચકોને હસવું આવે એવી કવિતા લખી મોકલશો. લોકો હસવાનું બહુ માગે છે !'

હસવું આવે એવી કવિતા ? તંત્રીઓના આખા વર્ગ ઉપર તેને તિરસ્કાર આવી ગયો !

એક માસિકમાં પ્રેમના દર્દથી ભરેલી એક સુંદર કવિતા એણે મોકલી. તંત્રીએ લખ્યું કે એની કવિતા આ વખતે તો છાપવામાં આવી છે, પરંતુ હવે પછી પ્રેમને બદલે દેશના દુકાળને સ્પર્શતી કોઈ કરુણ કવિતા લખી મોકલે તો તંત્રી તે છાપવાનો વિચાર કરી શકશે !

પ્રેમને બદલે દુષ્કાળ ! કવિતાઓ કવિની ઊર્મિ ઉપર આધાર રાખે કે તંત્રીની માગણી ઉપર ?

પરંતુ દુષ્કાળના ઓળા એને પોતાને પ્રત્યક્ષ દેખાવા લાગ્યા, અને માનવ જાતની આર્થિક અસમાનતા ઉપર દર્શને એક દિલ ઉશ્કેરનારી કવિતા લખી મોકલી ! પરંતુ તંત્રીને ભય લાગ્યો કે એ કવિતા તેના માસિકને સામ્યવાદી છાપ આપી સરકારની અને ધનિકોની કૃપા તથા લવાજમમાં ઘટાડો કરી નાખશે. દર્શનને તંત્રીએ સલાહ આપી કે એણે એના વિચારોનો