પૃષ્ઠ:Trishanku.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨ : ત્રિશંકુ
 

આવે. તે ઇચ્છતો પણ ન હતો કે કેદમાંથી નીકળેલું તેનું મુખ કોઈ પણ પરિચિત વ્યક્તિના જોવામાં આવે. છતાં દર્શન તો સામે ઊભેલો હતો. કિશોરે દર્શનને પૂછ્યું :

‘દર્શન ! તને મારા છૂટવાની ખબર કોણે આપી ?'

‘અંદાજથી આવી... અને કિશોરભાઈ ! અમને પત્રકારોને આછી પાતળી ઘણી ખબરો મળી જ રહે.' દર્શને કહ્યું.

કિશોર ક્ષણભર દર્શન સામે જોઈ રહ્યો, અને પછી અત્યંત કટુતાભર્યું સ્મિત કરી તેણે દર્શનને પૂછ્યું :

‘દર્શન ! મારી આ છબી, શું છાપામાં આપવી. છે ?'

'આપીએ તેમાં ખોટું કશું નથી. જોકે હમણાં તો હું તમને ઘેર લઈ જવા આવ્યો છું.'

‘દર્શન ! તું મારો મિત્ર છે, નહિ !'

‘મિત્ર ? આપ તો વડીલ છો, મોટાભાઈ છો. આપની છત્રછાયા મને મળી ન હોત તો હું આટલો આગળ આવી શક્યો જ ન હોત. દર્શને જવાબ આપ્યો.

‘તો દર્શન ! સાંભળ. તને કોઈપણ પ્રકારનો સદ્‌ભાવ મારે માટે હોય. તો મને મારે માર્ગે ચાલ્યો જવા દે.' કિશોરે કહ્યું.

‘સદ્ભાવ ! આપના પ્રત્યેનો સદ્ભાવ તલપૂર પણ ઘટ્યો નથી; ઊલટો વધ્યો છે.'

'તો મારું કહ્યું માની તું હમણાં મને મળીશ જ નહિ.'

'પરંતુ એમ કેમ થાય ? આપનો માર્ગ ઘર તરફ જ લંબાવવો જોઈએ. ઘેર તમારી રાહ જોવાય છે - આજથી નહિ. ત્રણ મહિનાથી - અને તેયે પહેલાં જોવાતી હતી તેમ !'

'દર્શન હું આવીશ... ઘેર આવીશ. મને પણ તારા, શોભા અને અમર યાદ નહિ આવતાં હોય એમ તું ન માનીશ !' કિશોરે કહ્યું અને તેની આંખમાં વાત્સલ્યની એક ચમક ચમકી ગઈ. દર્શન એ ચમક જોઈ અને કહ્યું :

‘તો પછી આપણે સાથે જ જઈએ.’

'હું જરૂર આવીશ, દર્શન ! પણ આજ નહિ...મારા મુખ ઉપરની કાળાશને જરા ધોઈ નાખવા દે.' કિશોરે કહ્યું.

'કાળાશ ? કિશોરભાઈ ! કાળાશ હોય તો તે આપણા ઉપર નહિ, સમાજના મુખ ઉપર છે. આયનાનો ડાઘ છે. તમારો ડાધ નથી.'