પૃષ્ઠ:Trishanku.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધાર્યો આવકારઃ ૧૮૩
 

ભલે એ આયનાનો ડાઘ હોય. મારો એ ડાઘ ન હોય તોય એ આયનાનો ડાઘ ધોઈને પછી હું ઘેર આવીશ; તે પહેલાં નહિ.'

‘કિશોરભાઈ ! કોઈ ભૂલ થાય છે.' દર્શન જરા વ્યગ્રતાપૂર્વક કહ્યું.

'એમાં તેં વધારે શું કહ્યું? ભૂલ તો ડગલે-પગલે થાય છે ને ?'

‘એ બધા વિચાર આપણે ઘેર જઈને કરીશું.'

‘દર્શન ! મને ચાલ્યો જવા દે, મારા પગ લઈ જાય ત્યાં. મારી પાછળ ન આવીશ.'

‘એ કેમ ચાલે ? હું ઘેર જઈ છોકરાંને અને સરલાબહેનને શું મોં બતાવીશ ? મેં તો વચન આપ્યું છે કે હું તમને લઈને જ આવવાનો છું.'

‘આજ કંઈ નહિ, દર્શન ! જો તું મારી પાછળ આવીશ તો તું મારું મૃત્યુ નિહાળીશ. મારી ખાતરી થઈ ગઈ છે કે આ જીવનમાં મરવું સહેલું છે. માટે મારે જીવવું મુશ્કેલ બનાવવું હોય તો તું મારી પાછળ આવ.' કહીને કિશોર અત્યંત ઝડપથી ચાલવા માંડ્ચો.

તેને સહજ બૂમ પાડી, જરા આર્જવપૂર્વક દર્શને કહ્યું :

‘કિશોરભાઈ ! એક વાર તો ઘેર આવી જાઓ ? રડતાં છોકરાંને હું શો જવાબ આપીશ ?'

‘તને યોગ્ય લાગે તે જવાબ આપજે. પણ તું મારી પાછળ ન આવીશ.'

'મને એક વખત અહીંથી ભાગવા દે.’ પાછળથી દોડીને આવેલા દર્શનને કિશોરે કહ્યું.

‘પણ કિશોરભાઈ ! તમે તો જીવવા મરવાની વાત કરો છો. મારાથી તમને એકલા કેમ ભાગી જવા દેવાય ?' દર્શન કિશોરને રોકતાં કહ્યું. કિશોરે જરા સ્થિર થઈ શાંતિપૂર્વક દર્શનને કહ્યું :

'જો, દર્શન ! તું આજ તો મને જવા જ દે. મારો પગ ઘેર આવવા ઊપડતો નથી. કોઈ પણ પરિચિતનું મુખ હું ન જોઉં એમ હું ઈચ્છી રહ્યો છું. હું તને એક વચન આપું છું. જીવવા-મરવાનું તો ઈશ્વર આધીન છે - જો ઈશ્વર જેવી કોઈ સત્તા હોય તો. પરંતુ આ મારું વચન તું સાચું માનજે. ઘેર આવતા પહેલાં હું મરવા ધારીશ તોપણ મરીશ નહિ, બસ? હવે મને જવા દઈશ? તારું સરનામું હું જાણું છું એટલે એ મને ઘરનો માર્ગ દેખાડી દેશે.'

આટલું કહેતા બરોબર કિશોર લગભગ દોડ્યો જ. એને ભાન ન હતું કે એ ક્યાં દોડ્યો, કઈ બાજુએ દોડ્યો અને શા માટે દોડ્યો. દર્શન પાછળ નથી આવતો. એવી તેની ખાતરી થઈ ત્યાં સુધી તે દોડ્યો. પછી શું થયું તેનું કિશોરને ભાન રહ્યું નહિ. એ ભાનમાં આવ્યો ત્યારે એ પોતે કોઈ