પૃષ્ઠ:Trishanku.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮ : ત્રિશંકુ
 

ચટાઈ ઉપર સૂતો હોય એમ તેને ભાસ થયો. કેદખાનું જોયા પછી કોઈપણ સ્થળ માનવીને ભાગ્યે જ આશ્વર્ય ઉપજાવે, છતાં સૂતે સૂતે આંખ ઉઘાડી કિશોરે જોયું તો તેની દૃષ્ટિ સમક્ષ એક નાનકડું મંદિર દેખાયું. મંદિરની ખુલ્લી ઓશરીમાં જાણે સાધુનું રહેઠાણ હોય એવો પણ તેને ભાસ થયો. ચારે પાસ વૃક્ષોની ઘટા ! તે જાણે નવી દુનિયામાં આવ્યો હોય એમ તેને લાગ્યું. દર્શનને છોડીને દોડતો દોડતો તે આ સ્થળે કેવી રીતે આવ્યો તે એને સમજાયું નહિ. તેનો દેહ બહુ થાક્યો હોય એમ તેને લાગ્યું. છતાં આ અણધારી દુનિયાને ઓળખવા માટે તે ચટાઈમાં બેઠો થયો અને ચારે પાસ જોવા લાગ્યો. નજીકમાં જ ધૂણી આછી આછી ધીખતી હતી, અને એક વૃદ્ધાવસ્થાને કિનારે આવેલો સાધુ તેને નિહાળતો ધૂણી અને તેની સાદડીની નજીક પગ ઉપર પગ ચડાવી બેઠો હતો.

કિશોરને એમ પણ લાગ્યું કે આ અજાણી જગ્યા ઉપર સંધ્યાકાળનું આછું અંધારું ઊતરતું હતું. એને એવું એકાંત જોઈતું હતું કે આ સાધુનું એકાંત સ્થળ તથા સાધુનો સમાગમ પણ તેને અણગમતો લાગ્યો. ત્યાંથી ચાલ્યા જવાની તેની ઇચ્છા થઈ. કેદખાનામાંથી તરતના નીકળેલા માણસને ચાલ્યા જવા માટે બીજી તૈયારી પણ શી કરવી પડે ? ઊભા થઈને ફાવે ત્યાં ચાલ્યા જવું એ જ માર્ગ હતો. તે ઊભો થયો પરંતુ તેનું શરીર તેને દુખતું લાગ્યું. દોડતાં દોડતાં તે પડી ગયો હશે શું ? કોઈ પણ રીતે આ સાધુએ તેને બેભાન અવસ્થામાં ચટાઈ ઉપર સુવાડી દીધો હશે એટલું તો કિશોરને લાગ્યું જ. જતા પહેલાં સાધુનો આભાર માનવાની તેને વૃત્તિ થઈ. તેણે સાધુને ઊભે ઊભે નમન કર્યું અને કહ્યું :

‘મહારાજ ! કૃપા થઈ, આટલો આશ્રય આપ્યો તે ! હવે રજા લઈશ.'

'ક્યાં જઈશ, બેટા ?' સાધુએ વાત્સલ્યપૂર્વક કિશોરને પ્રશ્ન કર્યો.

'પગ જ્યાં લઈ જાય ત્યાં, મહારાજ !' કિશોરે જવાબ આપ્યો.

'પગ તને અહીં લાવ્યા છે, તો અહીં જ ઠેરી જા.' સાધુએ તેને સલાહ આપી.

‘પગે ભારે ભૂલ કરી, મહારાજ ! મને અહીં લાવવામાં. હું આ સ્થાન માટે લાયક નથી.'

'એ પછી જોઈશું. હમણાં તો તું બહુ થાક્યો છે. મેં તને પકડીને સુવાડી દીધો ન હોત તો કોણ જાણે, તારું શરીર કે મન એ બેમાંથી એક ફટકી જાત !'

'તો વધારે સારું થાત, મહારાજ !'