પૃષ્ઠ:Trishanku.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬ : ત્રિશંકુ
 

રામથી છૂટી પડે તોપણ રાવણને વશ તો ન જ થાય. એ સાચું કે હજી આપણે પુરુષો લક્ષ્મી તથા લલનાને ચૂંથતા મટ્યા નથી; અને એમાંથી જ જીવતી યમયાતનાઓ ઊભી કરીએ છીએ. પરંતુ ખાતરી રાખ, ભાઈ ! એ યાતનાઓને છેડે રામ જ આપણને દોરતો ઊભો છે. અનુભવ કરી જોજે, અને રામ જડે તો મને કહી જજે.' સાધુએ કહ્યું.

‘વારુ, મહારાજ !' કહી કિશોર ઊભો થવા ગયો.

સાધુએ અવજ્ઞા ન થાય એવી આજ્ઞા કરી.

‘રામ જડે કે ઘર જડે, તે સિવાય અહીંથી તારે જવાનું નથી. મારી સાથે પ્રસાદ લે અને ઊંડાણમાં દૃષ્ટિ નાખતો તું ઊંઘી જા... જો, જરા આકાશમાં સપ્તર્ષિના ટોળામાં પેલી અરુંધતી ઝીણી ઝીણી ઝબકે છે તે !'

અને કિશોરના શરીરે અને મને હવે ત્યાંથી ખસવાની તેને મના કરી.