લખાણ પર જાઓ

પૃષ્ઠ:Trishanku.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦ : ત્રિશંકુ
 

માનવદુનિયામાં કોઈ જન્મ્યું જ ન હોત !..અરે, પેલા ભાઈ તો નથી જતા ? ... કિશોરભાઈ ! કિશોરભાઈ ! દર્શને તારાની જોડે વાતચીત કરતાં તેની પાસે થઈને ઝડપથી ચાલ્યા જતા કિશોર સરખા એક માનવીને જોઈને વાતમાંથી આડા ફંટાઈ બૂમ પાડી.

'આપણી પાસેથી હમણાં જ નીકળ્યા તે ને ? મને પણ એમ જ લાગ્યું ચાલો.' તારાએ કહ્યું, પરંતુ એ ચાલ્યો જતો કિશોર સરખો માનવી દર્શનની બૂમ સાંભળતો જ ન હતો. અને એની પાછળ જવાનો દર્શન કે તારા પ્રયત્ન કરે તે પહેલાં એ માનવ-ટોળામાં અદ્દૃશ્ય થઈ ગયો.

દર્શન અને તારાએ અસહાયપણે પરસ્પર સામે જોયું. આજ કિશોર બે વખત દેખાયો - એક વાર બાળકોને ગાડીમાં અને બીજી વાર સ્ટેશન બહાર દર્શન અને તારાને. કિશોરે પોતાનાં કુટુંબીજનોને ઓળખ્યાં નહિ હોય એમ તો કેમ કહેવાય ?... કદાચ ઓળખ્યાં હોય અને માટે જ એક ખાનામાંથી બીજા ખાનામાં તે ચાલ્યો ગયો; અને સ્ટેશનથી બહાર નીકળી તે જાણીજોઈને અદ્દૃશ્ય થઈ ગયો.

તારા કરુણાભરેલી દૃષ્ટિએ બાળકો સામે જોઈ પોતાને કામે ચાલી ગઈ. દર્શને બાળકોને પોતાની આંગળીએ વળગાડયાં અને એક ટેક્સીમાં બેસી બીજે માર્ગે બાળકોને લઈને જાહેર બગીચામાં પહોંચ્યો.

બગીચામાં લોકોની ઠીકઠીક અવરજવર હતી. કેટલાક લોકો બેસતા હતા, કેટલાક ફરતા હતા. સ્ત્રીઓ બગીચાની હવામાં નવો ઉત્સાહ અનુભવતી હતી, ને બાળકો આનંદના આવેગમાં કિલકારીઓ કરતાં દોડતાં કૂદતાં હતાં. ફરતે ફરતે દર્શન બન્ને બાળકોને લઈને પ્રાણીવિભાગમાં આવી પહોંચ્યો. આકાશમાં કુંજડાની હાર-કતાર ઊડતી સૈનિક ગોઠવણીની રચનાનો ખ્યાલ આપતી હતી. બાળકો અત્યંત રસથી એ પક્ષીઓની કલામય હારને જોઈ રહ્યાં હતાં. ધીમે ધીમે પ્રાણીઓને જોતાં જોતાં દર્શન અને બાળકો સિંહના પાંજરા પાસે આવી પહોંચ્યાં. પાંજરામાં સિંહ પણ હતો અને સિંહણ પણ હતી. બંને એકબીજાની પાસે બેઠાં હતાં; પરંતુ એ પશુઓની નજર તેમને નિહાળતા માનવીઓ તરફ હતી. જરા વાર બાળકોને તાકીને જોઈ સિંહણ ઊભી થઈ અને જાળી પાસે આવી પાછી અંદર ફરવા લાગી. ગંભીરતાપૂર્વક સિંહ બેઠો બેઠો બાળકોને જોયા કરતો હતો અને દૃષ્ટિ પાછી ખેંચી લેતો હતો. કોણ જાણે કેમ એકાએક સિંહે સહુને ચમકાવતી ગર્જના કરી અને શોભા તથા અમર બન્ને એક બીજાને વળગી પડયાં અને પછી પાછાં હસી પડયાં. હસતે હસતે શોભાએ કહ્યું :

‘સિંહ આપણને કાંઈ ન કરે. એ તો અંદર પુરાયેલો છે.'