પૃષ્ઠ:Trishanku.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૨ : ત્રિશંકુ
 

બાંધેલી ઘડિયાળમાં નજર નાખી અને તે બેઠો થયો. એટલામાં દૂરથી તારા ઝડપથી તેમના તરફ આવી પહોંચી. તારાના હાથમાં એક ટિફિન કેરિયર હતું. એ મૂકી નિરાંતે બેસી તારાએ શ્વાસ લીધો અને બોલી :

'આજ તો હું એવી થાકી ગઈ છું ! ટાઇપિંગના બે ઑર્ડરોની ના પાડી આવી !'

‘બરાબર કર્યું. મેં પણ નિશ્ચય કર્યો છે કે મારે હવે આરામ જ કરવો... કામકાજ બધું છોડીને !' દર્શને તારાને કહ્યું.

'એટલે તારે ફક્ત ગાવું અને વગાડવું !... પણ એવા નિશ્ચયનું કંઈ કારણ?' સહજ હસીને તારાએ પૂછ્યું.

'કારણ? જો ને તારા ! થાક લાગે ત્યાં સુધી જીવવામાં મજા પણ શું?' દર્શને કારણ દેખાડ્યું.

'તો પછી કોઈ ધનપતિને ત્યાં જન્મ લેવો હતો ને ?'

'મોજશોખ પણ માણસને થકવી નાખે છે, તારા ! આ જીવનને - જીવાત્માને કોણ જાણે શો ઉત્પાત થયો છે એ સમજાતું નથી !' દર્શન બોલ્યો.

‘વેદાંતી થઈ ગયો શું ?’ તારાએ પૂછ્યું.

'નહિ. વેદાંતીને તો ઉકેલ જડે છે; મને ઉકેલ જડતો નથી.'

‘શાનો ઉકેલ તારે જોઈએ ?...અરે ! આ માથા ઉપર તો મધપૂડો લટકે છે !' ઉપર નજર નાખતાં મધપૂડો જોઈ તારા બોલી.

‘એ જ ઉકેલ મારે જોઈએ છે... જ્યાં જોઈએ ત્યાં કાં તો માનવીના ટોળાં, જાનવરોનાં ધણ, પક્ષીઓના સમૂહ અગર જંતુઓના પૂડા અને રાફડા !... અરે, એ તો ઠીક ! પણ એ જીવે વનસ્પતિને પકડી, ત્યાં પણ વૃક્ષોનાં ઝૂંડ ને ઝૂંડ ! જીવાત્મા આમ જ્યાં ત્યાં જીવીને શું કરવા માગે છે ? જેને એ પકડે છે એનાં આવર્તન અને પુનરાવર્તન ! જરાય જંપ નહિ. જીવને કરવું શું છે, આટઆટલા જીવપ્રયોગો કરી કરીને ?' દર્શને બહુ દિવસે ફિલસૂફી ઉચ્ચારી.

'કદાચ... સારામાં સારું કયું શરીર, એ જીવને શોધી કાઢવું હશે.' તારાએ પણ સમજાયો તેવો જવાબ આપ્યો.

'પણ તારા ! જીવન ચંદ્ર-કૌમુદી જેવું હોય તો? તે દિવસ તે બતાવ્યું હતું તેમ ? એકબીજાને જુએ પણ સ્પર્શે નહિ !'

‘પણ એમાંય પાછો ભમરો ઊડતો ઊડતો બેસવા આવે ને ? કાળો કાળો !'

‘ભમરાનું ઉડ્ડયન એ પણ પાછી જીવનની જ શોધખોળ ને ?... મને