પૃષ્ઠ:Trishanku.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪ : ત્રિશંકુ
 

‘શોભા જાગી જાય તે પહેલાં આપણે આ વાત પતાવી દઈએ... અરે, શોભા તો જાગી... અમર પણ જાગ્યો... હવે ચાલ આપણે ખાવાનું પીરસી દઈએ. તું લાવી છે તેમાંથી. છોકરાંને ભૂખ લાગી છે.' દર્શને કહ્યું. દર્શન વાક્ય પૂરું કરી રહ્યો તે પહેલાં તો બાળકો બેઠાં થઈ ગયાં હતાં. તારાએ દર્શનના કથનને પકડી તેનો જવાબ પણ આપ્યો :

‘શા માટે દર્શન ? મને એક રસ્તો જડ્યો છે. ભૂખની પણ પાળ બાંધીએ તો જીવન આપોઆપ અટકી જશે !'

‘નહિ નહિ, એ તો અતિવૃષ્ટિ, દુષ્કાળ અને યુદ્ધને જ સોંપી દેવાય.' દર્શને કહ્યું અને બન્ને વચ્ચેની વાતચીત સાંભળી અમરે પોતાના મનની શંકા પ્રકટ કરી :

'ફોઈ ! લડાઈ થઈ શું?'

'ચાલ ચાંપલા !... કોળિયા ભરવા માંડ.' કહી તારાએ પાંદડામાં ખાવાનું પીરસવા માંડ્યું. જગજીવન શેઠની કાર ત્યાં થઈને પસાર થતી દર્શન અને તારાએ નિહાળી. કારમાંથી શેઠે બહાર ડોકું કરી કિશોરના સંબંધીઓને જોઈ લીધાં : એમાં કોણ હતું અને કોણ ન હતું એ પણ કદાચ તેમણે તારવી લીધું હોય !

શોભા અને અમર સહજ દૂર બેઠાં હતાં એટલે શોભાએ જમતે જમતે અમરના કાનમાં કોઈ ન સાંભળે તેમ કહ્યું :

‘કહું અમર ? પરણવા માટે એ બન્ને લડે છે !'

બાળકોને છાની વાત કરતાં જોઈ તારાએ સહજ ધમકાવીને કહ્યું : ‘છાની વાત મૂકો અને જરા ઝડપ રાખો જમવામાં, છોકરાં !'

દર્શને હસીને પૂછ્યું : 'છોકરામાં હું પણ ખરો કે ?'

‘ઉમરના પ્રમાણમાં તને કશું ભાન ન હોય તો તારી પણ એમાં જ ગણતરી !'

તારાના મુખ ઉપર આછી રીસ રમી રહી હતી. દર્શન સિસોટીમાં કાંઈ ગીત વગાડવા લાગ્યો - ઝીણું ઝીણું !

અને સહુ બગીચામાં બેસી ઉજાણી અનુભવવા લાગ્યા.

હજી સૂર્ય આથમ્યો ન હતો.