પૃષ્ઠ:Trishanku.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬ : ત્રિશંકુ
 

બારણું ધીરે રહીને સહજ ખોલ્યું તો તેણે બારણામાં જ કિશોરના શેઠ - અને જે શેઠાણીને તે ભણાવવા તથા રંજનમાં રાખવા જતી હતી તે શેઠાણીના પતિ - જગજીવનદાસને જોયા ! આશ્ચર્ય પામી તે જરા ખમચાઈ, પણ અંતે આવકારનો દેખાવ કરી તેણે કહ્યું :

'ઓહો, શેઠસાહેબ ! તમે ક્યાંથી ? આ વખતે ?'

'શું કરીએ, સરલાબહેન ? તમે ન આવો એટલે અમારે જ આવવું રહ્યું. ને ? તમને શેઠાણી આખો દિવસ કેટલાં યાદ કરે છે તે જાણો છો ?' શેઠ જગજીવનદાસે કહ્યું.

‘હા જી, હું જાણું છું. શેઠાણીની મારી ઉપર ઘણી કૃપા છે.' સરલાએ જવાબ આપ્યો.

'ત્યારે તમે આવતાં બંધ કેમ થઈ ગયાં ?'

'જુઓ ને શેઠસાહેબ ! મને બે કામ વધારે થઈ પડ્યાં.' સરલાએ કહ્યું.

‘બે કામ ? બે કામ કયાં ?'

'એક તો આપને ત્યાં આવું તે, અને બીજું “પેઈંગ ગેસ્ટ્સ”ને બન્ને વખતે જમાડવા પડે છે તે. ઘરમાં ને ઘરમાં રસોઈ કરીને જમાડવાનું અનુકૂળ આવ્યું અને એમાં મારું પૂરું થવા લાગ્યું એટલે નાઈલાજે આપને ત્યાંનું કામ છોડી દેવું પડ્યું... મને પોતાને અણગમો આવ્યો છતાં... શેઠાણીને કહેજો કે હું એકાદ વખત આવી જઈશ.'

'પણ સરલાબહેન ! તમારે એક કામ કે બે કામ કરવાં જ શા માટે જોઈએ ?' બહાર ઊભે ઊભે શેઠસાહેબે સહાનુભૂતિ દર્શાવી. પણ હજી સરલા પોતાને અંદર બોલાવતી કેમ ન હતી તેનો જરા વ્યાકુળતાભર્યો વિચાર જગજીવનદાસને આવ્યો ખરો.

'શેઠસાહેબ ! મારે મારું અને મારા કુટુંબનું ગુજરાન તો ચલાવવું જોઈએ ને ?' સરલાએ જવાબ આપ્યો, બારણું વધારે ખોલ્યા વગર.

'તો હું, કિશોરનો શેઠ, મૂઓ પડ્યો છું શું ?'

'ના જી. આપનો તો ભારે ઉપકાર છે. બળેલી નોટો વિષે આપે મારા પતિ વિરુદ્ધ કાંઈ પગલાં ન લીધાં, અને ઊલટું શેઠાણી પાસે પુસ્તક વાંચવાનું કામ મને સોંપી મારા કપરા દિવસો નિભાવ્યા ! મારાથી એ ઉપકાર કેમ ભૂલાય ?... પધારો, બેસો... અમારું ફર્નિચર અમારા જેવું.' સરલાના આતિથ્યે જોર કર્યું અને થોડી વાર બારણા બહાર ઊભા રહેલા શેઠને અંદર બોલાવ્યા, એક પુરાણી ખુરશી ઉપર બેસાડ્યા અને પોતે નીચેની એક સાદડી ઉપર સહજ દૂર બેસી ગઈ. શેઠ સ્વસ્થતાપૂર્વક હવે બેઠા. નીચું જોઈ