પૃષ્ઠ:Trishanku.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વક્ર દૃષ્ટિ : ૧૯૭
 

રહેલી સરલા તરફ જોઈ રહેલી તેમની આંખમાં એક પ્રકારની પ્રસન્નતા પ્રગટી નીકળી હતી. સરલાના વિવેકનો શેઠસાહેબે જવાબ આપ્યો :

‘તમે પહેલેથી જ મારું કહ્યું માન્યું હોત, સહકટુંબ મારા પોતાના નાના મકાનમાં જ રહ્યાં હોત તો તમારે એક કામ અને બે કામનો સંતાપ રહેત નહિ. કિશોર છૂટી આવે અને મને પૂછે તો મારે જવાબ શો આપવો ?... છોકરાં ભણત, સારી જગાએ રહેવાનું તમને સહુને મળત... અને શેઠાણીને તમારો સાથ તો ક્યારનોય ગમી ગયો છે... હજી પણ હું એનું એ જ કહું છું. કિશોરને આપતો હતો એ જ પગાર હું તમને આપ્યા કરીશ - જો મારું કહેવું સંભળો તો !' જગજીવનદાસે કહ્યું.

એ જ વખતે કિશોર બહારના ભાગમાંથી ભીંતના કાણા દ્વારા અંદર પોતાની એક આંખ રાખી રહ્યો હતો, તેની બેમાંથી કોઈને ખબર પડી નહિ. શેઠ સાહેબની આવી અનુકંપા સાંભળીને સરલાએ કહ્યું :

‘છેવટે આપ તો છો ને... બેસો, હું ચા કરી લાવું.' કહી સરલા ઊભી થવા ગઈ એટલામાં ખુરશી સરલા પાસે ખેંચી લાવી શેઠ જગજીવનદાસ કહ્યું :

‘નહિ નહિ, મારે ચા પીવી નથી - પીવો છે !... ઊભા ન થશો.... કહો તમે મારા પત્રનો જવાબ કેમ ન આપ્યો ?'

નીચું જોઈ બેસી રહેલી સરલાએ કહ્યું :

‘એવા પત્રનો હું શો જવાબ આપું ?'

‘જવાબમાં તો તમે મારે ત્યાં આવવું જ સમૂળગું બંધ કર્યું !'

'જુઓ, શેઠસાહેબ ! બીજો કોઈ માર્ગ જડશે નહિ ત્યારે તમારા પત્રનો જવાબ આપીશ.' સરલાએ જરા કડકાશથી કહ્યું.

‘માટે તો તમારો જવાબ તમારે મુખેથી સાંભળવા હું અહીં આવ્યો છું... જાતે જ... અનેક મહત્ત્વનાં કામ પડતાં મૂકીને... જવાબમાં ના ન જોઈએ, હા જ જોઈએ. !'

‘શેઠસાહેબ ! તમને કદાચ ખબર નહિ હોય, પરંતુ આપનાં શેઠાણીએ જ મને આગ્રહભરેલી સલાહ આપી હતી કે મારે તમારા બંગલામાં રહેવા ન આવવું.'

‘એ તો છે જ વહેમી !... સરલાબહેન ! હું તમને પૂછું છું... ઈશ્વરે સંપત્તિ આપી છે, વૈભવ આપ્યો છે, રસિકતા આપી છે, ત્યારે જીવન વિતાવવાનું આવી રિસાળ, વહેમી અને અભણ પત્ની સાથે !.... અને તમારાં જેવાં... જીવન માણી શકે એવાં - એમને મહેનત ભરેલું ભઠિયાર-