પૃષ્ઠ:Trishanku.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વક્ર દૃષ્ટિ : ૧૯૯
 

સરલાનું મુખ સખ્ત બની ગયું. છતાં સભ્યતાપૂર્વક બેસી રહીને તેણે દૃઢતાપૂર્વક જવાબ આપ્યો :

'શેઠસાહેબ ! તમે માગો છો એ તક મારે તમને આપવી હોત તો મેં ક્યારની આપી દીધી હોત.'

‘હજી મોડું થયું નથી...' જગજીવન શેઠે સ્મિત ચાલુ રાખી કહ્યું, અને કિશોર ભીંત પાછળથી ખસી બારણા બાજુએ આવવા લાગ્યો એની જગજીવનને કે સરલાને ખબર ન હતી. સરલાએ તો જરા પણ અસ્થિર બન્યા વગર જગજીવનદાસને દૃઢતાપૂર્વક કહ્યું :

'શેઠસાહેબ ! આપ એક ક્ષણ પણ રોકાયા વગર અહીંથી ચાલ્યા જાઓ.'

‘અને હું ન જાઉ તો ?' જગજીવનદાસે હિંમતથી પ્રશ્ન કર્યો.

'તો આપને કદી નહિ થયેલું અપમાન અહીં થશે !'

'કેવી રીતે ?' જગજીવનદાસે પણ જરા સખ્ત બની પ્રશ્ન કર્યો અને સરલાએ :

‘તો... આમ થશે...' કહી. શેઠસાહેબના મુખ ઉપર અત્યંત બળપૂર્વક એક તમાચો લગાવી દીધો. જગજીવનદાસ શેઠ ઊભા થયા અને તેમણે સરલાનો હાથ પકડી કહ્યું :

'હું આવા તમાચાથી ડરતો નથી... તમાચાની શોખીન કંઈક રૂપરાણીઓએ મારા હાથ સામે ગાલ ધર્યા છે...ઓહ !...ઉહ...બાપ રે....'

ધમકી આપતાં આપતાં જગજીવનદાસ બીકના, પરાજયના, ગભરાટના ઉદ્ગારો મુખથી કાઢી રહ્યા. ઘરની પાળેલી બિલાડી ધસી આવી જગજીવનના પગે નહોર અને દાંત બેસાડવા લાગી. અણધાર્યા હુમલાથી ન ટેવાયેલા શેઠ બૂમાબૂમ કરી ઊઠ્યા અને મહામુસીબતે બિલાડીના પંજામાંથી પોતાના દેહને છુટ્ટો પાડી તેઓ બહાર ભાગી ગયા. બારણામાંથી બહાર નીકળતાં જ જગજીવનદાસે કિશોરને અર્ધઅંધકારમાં ઊભેલો જોયો. એમનાથી 'ઓહ !' ઉચ્ચારણની ચીસ પડાઈ ગઈ. ઝડપથી દોડી તેઓ કારમાં બેસી ગયા અને કારને તેમણે ઉપાડી જબરદસ્ત વેગ આપ્યો. શેઠની પાછળ દોડતા કિશોરના હાથમાં આવતે આવતે કાર સરકી ગઈ, અને કિશોર પણ એ કાર પાછળની ધૂળમાં અદ્દૃશ્ય થઈ ગયો. એટલામાં જ દર્શન, તારા તથા બન્ને બાળકો બારણે આવી પહોંચ્યાં. હવે ઠીકઠીક અંધારું થયું હતું. સરલાએ બાળકોનાં પગલાં ઓળખી ઝડપથી દીવો કર્યો. બિલાડીએ ખૂણે બેઠાં બેઠાં ઘૂરકીને પોતાની ચામડીને જોરભેર