પૃષ્ઠ:Trishanku.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦ : ત્રિશંકુ
 

થરકાવી.

ઘરમાં પ્રવેશ કરતાં બરોબરે અમરે કહ્યું :

'મા ! આજ તો બહુ મજા આવી. કેટલું કેટલું જોયું, અને કેટલું બધું જમ્યા !'

શોભાની નજર બિલાડી ઉપર પડી અને તેની વ્યગ્રતા જોતાં શોભાથી પુછાઈ ગયું :

‘પણ આ બિલાડીને શું થયું છે ?'

અમરે શોભાના પ્રશ્નની સ્પષ્ટતા પણ કરી અને સાથે એક નવો પ્રશ્ન પણ ઉપસ્થિત કર્યો :

'એણે ઉંદરને પકડ્યો હશે !... દર્શનભાઈ અને ફોઈ આજ કહેતાં હતાં કે સિંહ અને બિલ્લીની જાત એક... સિંહની જાત તે વળી ઉંદરને પકડતી હશે ખરી ?'

તારા અને દર્શન બન્ને હસી પડ્યાં. હસતે હસતે તારાએ કહ્યું :

‘સરલાભાભીએ તો બિલ્લીને આજ કેટલાય દિવસથી અહિંસક બનાવી દીધી હતી ! એ આવી ગુસ્સે કેમ ?' અને બન્ને જણને હસતાં જોઈ શોભાએ માને ખબર આપી: ‘આ બન્ને જણા હમણાં જ હસ્યાં છે, મા ! બન્ને જણ લડ્યાં લાગે છે... દર્શનભાઈ અને ફોઈ..'

‘અને બહેને મને કાનમાં કહ્યું હતું કે પરણવા માટે એ બન્ને જણ લડે છે.' નાનકડા અમરે છૂપી રીતે સાંભળેલી હકીકત મા સામે જાહેર કરી.

બાળક અમરનું આ વાક્ય સાંભળી તારા અને દર્શન બન્ને સ્તબ્ધ બની ઊભાં રહ્યાં અને સરલાએ હસીને પ્રશ્ન કર્યો :

'પરણવા માટે કે ન પરણવા માટે ?'

'એ તો કોણ જાણે ! મને શી ખબર પડે ?' અમરે પ્રશ્નનો જવાબ આપ્યો.

સરલાએ જગજીવનદાસ શેઠને ભૂલવા માટે અને બાળકોને પોતાની વ્યગ્રતા વિષે સમજ ન પડે એટલા માટે નવો પ્રશ્ન કર્યો :

‘બેમાં વધારે કોણ લડે છે ?'

‘ફોઈ !' શોભાએ વચ્ચેથી જવાબ આપ્યો.

‘ત્યારે તો આપણે હવે ઉતાવળ કરવી રહી !... ચાલો જમી લો, બધાં. હમણાં પેલાં ભાડૂતી મહેમાનો આવશે.' સરલાએ આજ્ઞા કરી.

‘સરલાભાભી ! અત્યારે મારે જમવું નથી.' દર્શને આજ્ઞાના જવાબમાં કહ્યું. દર્શન તો કેટલાય સમયથી નિત્ય બે વાર આ સ્થળે જમતો