પૃષ્ઠ:Trishanku.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાલીના સૌંદર્યમાંથી : ૧૩
 


'અમે ધંધો કરીએ છીએ, જુવાન ! કવિઓને ઉત્તેજન આપવાનું કામ અમે કરતા નથી... પાઠ્યપુસ્તક ગમે તે રીતે બનાવી શકો તો હું જરૂર છાપું.'

'પણ એમાં તો અરસપરસ વખાણનારા મિત્રો જોઈએ. લાગવગ જોઈએ...' દર્શને કહ્યું.

'જે જોઈએ તે ભેગું કરો, પછી આવો અહીં.'

'મારાં કાવ્યોની પ્રશંસા...'

'સાંભળો ! આ વિહંગમ્‌નો કાવ્યગ્રંથ એમ. એ.માં હતો ત્યાં સુધી અમે એને અડ્યા પણ નહિ. પહેલા-બીજા વર્ષમાં આવ્યો ત્યારે, જુઓ, અમે માગીને લીધો...'

'તો આપની શી સલાહ છે ?... અંતિમ...'

'મારી સલાહ એટલી કે... આમતેમ ફાંફાં મારી જાણીતા થઈ જાઓ ત્યાં સુધી આ ગ્રંથને બાંધી મૂકો... તમારે પૈસે છપાવવો હોય તો જુદી વાત. કંઈ વાર્તાબાર્તા લખી હોય તો વળી બતાવજો આવતે વર્ષે... અને પ્રકાશકે દર્શન સાથેની વાતચીત અટકાવી બીજા આગંતુકને હાથમાં લીધો, અને દર્શનના નમસ્કારને ઝીલ્યા વગર તેને જવા પણ દીધો !

પત્રોને કવિતાની જરૂર ન હતી; પ્રકાશકને પણ જરૂર ન હતી. ત્યારે કવિતાની જરૂર કોને ? પત્રો અને પ્રકાશકો પ્રજાનાં પ્રતિબિંબ ! એટલે પ્રજાને પણ કાવ્યની કે કવિની જરૂર નથી એમ જ દર્શને માની લેવાનું ને ? શા માટે એણે પ્રજાને જોઈતી વસ્તુ ન આપવી ? વાર્તા પણ સાહિત્યનો એક પ્રકાર જ છે ને ? વાર્તા લખીને પણ એ કલમને આધારે જ જીવન ગાળી શકે ! એની પ્રતિજ્ઞા વાર્તા લખીને પણ પાળી શકાય ! દર્શને કવિતાના ઊભરાને જરા શમાવી દીધો અને પોતાની કલમને વાર્તાલેખન તરફ વાળી.

એટલું જ નહિ, પરંતુ વાર્તાલેખનને વેગ મળે, વાર્તાલેખનને વ્યાપક સ્થાન મળે એ માટે એ મહાનગરીમાં આવ્યો, જ્યાં લાખો માનવીઓ પોષણ પામતા હતા... અગર પોષણ પામે છે એવો ભ્રમ સેવતા હતા. લેખકો, પત્રકારો અને સાહિત્યવર્તુલો સાથે સંપર્કમાં આવી તે પ્રતિષ્ઠા પણ મેળવી શકશે અને પોતાનું ગુજરાન પણ ચલાવી શકશે એવી સ્વાભાવિક ઇચ્છા તેની હતી. તેનો મોટોભાઈ કિશોરનો અભ્યાસયુગનો મિત્ર હતો. એણે દર્શનને કિશોર ઉપર ભલામણ-ચિઠ્ઠી લખી આપી. થોડા દિવસ કિશોરના કુટુંબમાં જ રહી તેણે મહાનનગરીના સાહિત્ય ઊંડાણમાં તરવા માંડ્યું. વાર્તાઓ લઈ લઈ તે પત્રકચેરીઓમાં જતો. તંત્રીઓને મળતો, લેખકો